જૂનાગઢઃ લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ આવી રહી છે. અત્યારે જૂનાગઢ લોકસભા કરતા વિસાવદર વિધાનસભામાં ભાજપનો ઉમેદવાર કોણ હશે તેની ચર્ચાઓ ચગડોળે ચઢી છે. વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકના મતદારોએ ભાજપ અને કોંગ્રેસને જાકારો આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીને ધારાસભ્ય પદે વિજેતા બનાવ્યા હતા. જો કે ધારાસભ્ય બન્યાના 1 જ વર્ષની અંદર ભુપત ભાયાણીનું ભાજપ તરફથી હૃદય પરિવર્તન થયું અને તેઓ ગત મહિને રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. રાજકીય સૂત્રો અનુસાર ભુપત ભાયાણી ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણી લડશે તેવા વચન સાથે ભાજપમાં આવ્યા છે.
Visavadar By Election: ટોક ઓફ ધી ટાઉન-વિસાવદર બેઠક પેટા ચૂંટણીમાં ઉમેદવાર કોણ? - AAP
ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. તેથી લોકસભા સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. અત્યારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ચોરે અને ચૌટે ચર્ચાતો એક માત્ર પ્રશ્ન છે કે ભાજપ કોને ઉમેદવાર બનાવશે? Visavadar By Election Loksabah Election Bhupat Bhayani AAP BJP Candidate
Published : Mar 2, 2024, 4:21 PM IST
3 મુરતિયા એકસાથે ભાજપમાંઃ વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે વિસાવદર બેઠક પરથી પાછલી 2 ટર્મથી ચૂંટણી જીતતા કોંગ્રેસના હર્ષદ રીબડીયા એ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. ભાજપે તેમને વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવી પરંતુ હર્ષદ રીબડીયા ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા. આ પૂર્વે તેઓ 2 વખત ધારાસભ્ય હતા ત્યારે તેમની ટક્કર વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હતી. જેમાં 2 વખત હર્ષદ રીબડીયાએ કિરીટ પટેલને હાર આપી છે. હવે હર્ષદ રીબડીયા, કિરીટ પટેલ અને ભુપત ભાયાણી આ ત્રણેય મુરતિયાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. ત્રણેય વિસાવદર વિધાનસભા બેઠક પર આવી રહેલી પેટા ચૂંટણી લડવા માટે દાવેદાર પણ ગણાઈ રહ્યા છે પરંતુ ઉમેદવાર કોણ ગિરનાર જેવડો આ મોટો પ્રશ્ન ભાજપને જૂનાગઢ લોકસભા બેઠક કરતા વિસાવદર વિધાનસભામાં મૂંઝવી રહ્યો છે.
શું કહે છે વરિષ્ઠ પત્રકાર?: વરિષ્ઠ પત્રકાર વિજય પીપરોતરે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ભાજપ ખુદ દ્વિધામાં છે કે ઉમેદવાર કોને જાહેર કરવો. અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે પણ ભાજપ માંથી બગાવત કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી. જેમાં કેશુભાઈ પટેલ ને નિષ્ફળતા મળી. કેશુભાઈ પટેલે તેના રાજકીય વારસા સમાન તેના પુત્ર ભરત પટેલને વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા પરંતુ તેમનો પણ પરાજય થયો હતો. વિધાનસભાની પાછલી 3 ચૂંટણીઓ પર નજર નાખીએ તો વિસાવદર વિધાનસભાના મતદારો કાયમ માટે સત્તાપક્ષ વિરોધી મતદાન કરવા માટે ટેવાયેલા છે. 2022માં ભાજપ વિરોધી મતદાન કરીને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવી હતી. ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાનો મતદાર સરકાર વિરોધી મતદાનની પરંપરા જાળવી રાખશે તો અહીંથી ભાજપના ઉમેદવારને જીતવુ ખૂબ મુશ્કેલ બની રહેશે.