વલસાડ સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરતો હોવાનો વિડીયો વાયરલ (Etv Bharat Gujarat) વલસાડ: જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમ્યાન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં રખડતા શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે સિવિલ હોસ્પિટલમાં કેટલી સુરક્ષા છે. તેની પોલ ખોલી રહ્યો છે. જોકે ઉપરોક્ત બાબતે સિવિલ હોસ્પિટલના ડીને લૂલો બચાવ કરતા કહ્યું કે, સિક્યુરિટી કર્મચારીઓ ક્યાંક લઘુશંકાએ ગયા હશે. ત્યારે કોઈ શ્વાન અંદર ઘૂસ્યો હોઈ શકે અને આ વીડિયો જૂનો છે. જે વીડિયો વાયરલ થયો છે એ ઇમરજન્સી ગેટ પાસેનો છે.
કૂતરા ફરતા હોવાનો વીડિયો વાયરલ: વલસાડ સિવિલ હોસ્પિટલમાં રાત્રે દરમિયાન ઈમર્જન્સી વોર્ડમાં રખડતા કૂતરાઓ ફરતા હોવાનું એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેને લઇને વલસાડ સિવિલ હોસ્પિટલની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય ઇમર્જન્સી વોર્ડ પાસેના ગેટનો વીડિયો હોવાનો સિવિલ હોસ્પિટલના મુખ્ય સંચાલક ડો. ભાવેશ ગોયાણીએ વાત કબૂલી હતી. તેમજ સુરક્ષા અંગે સિક્યુરિટી કર્મચારીઓમાં પણ ખામી હોવાની વાત પણ કબૂલ હતી.
સુરક્ષાના પ્રશ્નો અંગે મુખ્ય અધિકારીએ શુું કહ્યું: વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલા કુલ 4 મુખ્ય ગેટો પાસે સિક્યોરિટી કર્મચારીઓ ઊભા રાખવામાં આવે છે. જેથી સુરક્ષાના પ્રશ્નો હોય તેવા સમયે આ સિક્યોરિટી કર્મચારીઓ તેઓની ફરજ નિભાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વારંવાર તાકીદ કરવા છતાં કેટલાંક સિક્યોરિટી કર્મચારીઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા નથી તેવા આરોપ છે. જેના કારણે સુરક્ષાના અનેક પ્રશ્નો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન ફરતા હોવાના કિસ્સાઓ પણ સિક્યોરિટી કર્મચારીની બેદરકારીને કારણે જ સર્જાયા હોવાનું સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.
એક થી દોઢ વર્ષ પહેલા જ સિક્યોરિટી કોન્ટ્રકટ પૂર્ણ:વલસાડ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી કર્મચારીઓને લઈને ઊભા થતાં સુરક્ષાના પ્રશ્નોને લઈને ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆતો સિવિલ હોસ્પિટલના સંચાલક ડો. ભાવેશ ગોયાણી દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા પત્રો લખીને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, સિક્યોરિટી એજન્સીને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ અન્ય એજન્સીને આપવામાં આવે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પૂર્ણ થઈ ગયેલો સિક્યોરિટી કોન્ટ્રાક્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવતું નથી કે તેની મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે એક જ એજન્સીને વારંવાર કોન્ટ્રાક્ટ લંબાવવામાં કરવામાં આવી રહ્યો છે.
સિક્યોરિટી કોન્ટ્રાક્ટ બદલવા વારંવાર રજૂઆત: વલસાડ સિવિલ હોસ્પિટલના મુખ્ય સંચાલક ડો. ભાવેશ ગોયાણીએ ETV ભારતને જણાવ્યું કે, વારંવાર સર્જાઇ રહેલા સુરક્ષાના પ્રશ્નો સામે યુદ્ધના ધોરણે લડવા માટે અગાઉ પણ અનેક વખત લેખિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. સુરક્ષા માટે મૂકવામાં આવતા સિક્યોરિટી કર્મચારીનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપવા માટે રજૂઆત કરાઇ છે. અથવા તો નવો કોન્ટ્રાક્ટ કરવા માટે ટેન્ડર બહાર પાડવાની મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ તે આપવામાં આવતી નથી. જેના કારણે જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે. જેથી સુરક્ષાના પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
2 દિવસ પહેલા દર્દીના સ્વજને ડોક્ટરને તમાચો માર્યો: સિક્યોરિટી કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય રીતે કામ કરતા હોય તો ડોક્ટરની સુરક્ષા સામે પણ મોટા પ્રશ્નો ન સર્જાય કારણ કે, 2 દિવસ પહેલા જ સારવાર લઈ રહેલા એક દર્દીના સ્વજને સ્થળ પર સારવાર આપી રહેલા રેસીડેન્શિયલ ડોક્ટર નિકુંજ પટેલને લાફા મારી દીધા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્શિયલ ડોક્ટર્સ એકત્ર થઈ ગયા હતા. જેથી હોબાળો બચી ગયો હતો. જોકે બાદમાં પોલીસ પહોંચ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ સિક્યોરિટી કર્મચારી જો હાજર હોય અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો આવી ઘટનાઓ પણ બનતી અટકી શકે તેમ છે.
ઈમર્જન્સી વોર્ડમાં શ્વાન ફરવાની ઘટના: ઈમર્જન્સી વોર્ડમાં રાત્રિ દરમિયાન શ્વાન ફરવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જે વિડિયો 3 દિવસ જૂનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સંચાલક ડો. ભાવેશ ગોયાણીએ કબુલ કર્યું હતું કે, સિક્યોરિટી કર્મચારીની બેદરકારીને કારણે જ રાત્રિ દરમિયાન શ્વાનો રખડી રહ્યા છે. જોકે અવારનવાર તેઓને તાકીદ કરવામાં આવે છે તેમ જ ફોન કરીને પણ સુરક્ષા રહે તે માટે જાણ પણ કરાઇ છે. પરંતુ ગતરોજ બનેલો વિડિયો સમયે સિક્યોરિટી ગાર્ડ લઘુશંકા માટે ગયો હોય અને તે સમયે શ્વાન અંદર ઘૂસ્યો હોય એવું બની શકે તેમ હોસ્પિટલના સંચાલકો જણાવી રહ્યા હતા. જોકે ઉપરોક્ત ઘટના બાબતે એક વાત સ્પષ્ટ થાય છે કે, વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યોરિટી કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે લોકોની સુરક્ષા તેમજ ડોક્ટરોની પણ સુરક્ષા સામે પ્રશ્નો ઊઠ્યા છે.
આ પણ વાંચો:
- રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ - PIL Against Ravneet Singh Bittu
- આમ આદમી પાર્ટી દિલ્હીમાં કરી રહી છે મોટી રેલીનું આયોજન, અરવિંદ કેજરીવાલ જનતાને કરશે સંબોધન! - DELHI AAP PLANNING FOR BIG RALLY