અમદાવાદ:ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી બાદ રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં રહેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરુપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ માવજી પટેલને હાર આપતા કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે. ત્યારે ભાજપની જીત અને કોંગ્રેસની હારમાં કયા પરિબળો મહત્વપૂર્ણ રહ્યા? અહીં સમજો.
વાવ વિધાનસભા બેઠક, વર્ષાંતે ભાજપના ખાતે ગઈ
2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની પ્રતિષ્ઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખા ચૌધરીને હરાવતા ભાજપને સળંગ અખંડ હેટ્રિકનો રેકોર્ડ થતા અટકાવ્યો હતો. વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠકના સાંસદ બનતા ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર 13, નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાઈ હતી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વાવ, સૂઈગામ અને ભાભર તાલુકાના 3.10 લાખ મતદારો મતદાન કર્યું હતુ. પેટાચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું. આરંભથી 20 રાઉન્ડ સુધી મત ગણતરીમાં કોંગ્રેસ આગળ હતી. પણ 20 રાઉન્ડ બાદ ભાજપ સતત લીડ મેળવતો રહ્યો અને સ્વરુપજી ઠાકોરનો 2442 મતે વિજય થયો છે. રાજયમાં બહુ ચર્ચિત વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરને ભાજપના બાગી ઉમેદવાર માવજી પટેલ નડ્યા. ભાજપના બાગી ઉમેદવાર માવજી પટેલને પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડ્યા. માવજી પટેલ તો હાર્યા પણ તેમને પ્રાપ્ત મતના તફાવત થકી કોંગ્રેસ પણ જીતી શકે એવી બાજી હારી. જેના થકી પરંપરાગત રીતે કોંગ્રેસ જીતતી આવતી વાવ બેઠક ભાજપના ખાતે ગઈ.
OBC મતદારોએ ઠાકોર ઉમેદવારને જીતાડ્યા, ગેનીબેનનો અતિ આત્મવિશ્વાસ ભારે પડ્યો
વાવ વિધાનસભા મતક્ષેત્ર પર ઠાકોર, ચૌધરી, પટેલ અને અનુસૂચિત જાતિના મતદારો વધુ છે. ચૌધરી મતદારો મોટી સંખ્યામાં છે. પણ હાલ બનાસકાંઠાના સાંસદ અને ઓબીસી અગ્રણી ગેનીબેન ઠાકોરે ઓબીસી સમાજ અંગે ટિપ્પણી કરી હતી કે, ઓબીસી સમાજમાં ઠાકોર જ્ઞાતિને વધુ લાભ મળવો જોઇએ. બીજી જ્ઞાતિઓએ લાભ લઇ લીધો છે. ગેનીબેન ઠાકોરના આ વિધાને પણ ચૌધરી, પટેલ, માળી અને પ્રજાપતિ સમાજના મતદારોમાં રોષ પ્રગટ કર્યો હતો. આ સાથે સાંસદ બનતા જ ગેનીબેન ઠાકોરે ઝડપથી લોકપ્રિય થવા વિસ્તારના વિકાસ અંગે અનેક નિવેદનો કરી પોતાનો તિ આત્મવિશ્વાસ પ્રગટ કર્યો. જેના કારણે વાવની પોતાની પૂર્વ બેઠક પણ કોંગ્રેસે ગુમાવી છે.
માવજી પટેલ અપક્ષ તરીકે બે ચૂંટણીમાં હાર્યા, પણ વિજેતા માટે નિર્ણાયક રહ્યા
વાવ બેઠક પરથી ભાજપે પેટા ચૂંટણીમાં માવજી પટેલને ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલ અપક્ષ ચૂંટણી લડ્યા. માવજી પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વિરુદ્ધ પણ ટિપ્પણી કરીને લોકપ્રિયતા તો હાંસલ કરી હતી. પણ એ મતમાં તબદીલ ન થઈ. જ્યારે કોંગ્રેસે વાવ પેટા ચૂંટણી જીતવા માટેનો પૂર્ણ આધાર સ્થાનિક સાંસદ અને પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર રાખ્યો. જે પરિણામ ન લાવી શક્યો. વાવ બેઠક પર 2007માં કોંગ્રેસથી નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી હોવાથી બેઠક કોંગ્રેસ હારી અને ભાજપ જીતી હતી. 2024માં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેતા ભાજપ વિરોધી મતો મેળવીને ભાજપને જીતાડવામાં મદદ કરી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વાવ વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ધૂળ ચાટતા કરી દીધા છે.
કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યા બળ હવે ફક્ત 11
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીને પાંચ અને કોંગ્રેસ પાસે 17 બેઠકો હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી સતત ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં પ્રવેશ્યા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યો હતા. હવે વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસ હારતા વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 11 જ ધારાસભ્યો રહ્યાં છે. જ્યારે બે વર્ષમાં ભાજપના 156થી વધીને હાલ 162 ધારાસભ્યો થયા છે. હાલ રાજ્યની વિધાનસભામાં 182 પૈકી 162 ધારાસભ્ય ભાજપના છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કોઈ એક પક્ષના 162 ધારાસભ્ય હોય એવી આ પહેલી અને એક માત્ર ઘટના છે. 1960થી અસ્તિત્વમાં આવેલ ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલી વાર કોંગ્રેસ પક્ષ ફક્ત 11 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સમેટાયો છે.
વાવ બેઠક પર કોંગ્રેસે મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો, શક્તિસિંહ ગોહિલ રહ્યા નિષ્ફળ
વાવ પરથી સતત કોંગ્રેસના ધારાસભ્યો જીતતા હતા. પણ 2024ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા એ જણાય છે કે વાવ વિધાનસભા બેઠક પર હવે કોંગ્રેસ પર મતદારોનો વિશ્વાસ ઓછો થયો છે. પેટા ચૂંટણીમાં નોટાના મતની સંખ્યા 3360 હતી, જે કોંગ્રેસના ગુલાબસિંહના હારના માર્જિનથી પણ વધારે છે. આ નોટાના વોટ પણ નિર્ણાયક સાબિત થયા છે. કોંગ્રેસ માટે વિજયના પ્રતીક સમી વાવ બેઠક પરની હાર એ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની નિષ્ફળતાને પણ દર્શાવે છે.
આ પણ વાંચો:
- વાવમાં ખિલ્યું 'કમળ', 'ગુલાબ' કરમાયું... વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ
- રાજકોટમાં સાવક પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો આરોપ, આરોપી પુત્રની ધરપકડ