જૂનાગઢઃ હિન્દુ પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. યોગાનુયોગ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઈન દિવસ એક સાથે આવી રહ્યો છે. વર્ષો પછી આ પ્રકારનો સંયોગ સર્જાયો છે. વસંત પંચમીને ભારતની સંસ્કૃતિમાં વેલેન્ટાઈન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર આ દિવસે માતા સરસ્વતીના પૂજન નું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પ્રકૃતિ જાણે કે પીળો રંગ ધારણ કરીને નવયૌવનાનું સ્વરૂપ લઈને લાવણ્ય સાથે જોવા મળે છે. આજના દિવસે માતા સરસ્વતીનું પીળા પુષ્પોથી પૂજન કરવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. વસંત પંચમી બાદ ધીમે ધીમે ગ્રીષ્મ ઋતુની શરૂઆત પણ થતી હોય છે.
ઋતુમાં વસંત એટલે કૃષ્ણઃ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, ઋતુરાજમાં હું વસંત છું. આજના દિવસે કોઈ પણ બાળકને પરંપરાગત શિક્ષણ અને વિદ્યા સંસ્કાર આપવા માટે વસંત પંચમીનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ આજના દિવસે નવ જન્મેલા બાળકોને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવામાં આવે તો તે વ્યક્તિ જીવન પર્યંત ખૂબ સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વસંત પંચમીએ જંગલમાં રહેતા આદિવાસીઓ પ્રકૃતિના પીળા રંગને જાણે કે તેમનામાં સમાવીને પીળા વસ્ત્રો ધારણ કરીને પ્રકૃતિ સાથે નૃત્ય પણ કરે છે. આ પ્રકારની પરંપરા આજે પણ કેટલાક આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે.