વલસાડ : ઉમરગામ પાલિકા વિસ્તારમાં એક યુવકે પાડોશમાં રહેતા પરિવારની 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસે અન્ય ધર્મના આરોપીની ધરપકડ કરી હતી. તેની જાણકારી હિન્દુ સંગઠનોને થતા મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર જઈ હોબાળો મચાવ્યો હતો.
3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ:આ ઘટના અંગે મળતી વિગતો મુજબ મંગળવારે બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં એક મકાનમાં ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની હતી. જે જાણી બાળકીના વાલીઓએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા.
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ (ETV Bharat Gujarat) નરાધમ પાડોશી ઝડપાયો:જે અંગે વલસાડ પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ, બાળકીના વાલીઓની ફરિયાદ નોંધાવી. વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લાના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી. શોધખોળ દરમિયાન મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં છુપાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
પોલીસ કાર્યવાહી:ભોગ બનનાર બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર માટે દાખલ કરવામાં આવી છે. હાલ તે સારવાર હેઠળ છે. આ ઘટના વિરુદ્ધ DySP બી. એન. દવેની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. ગુન્હો આચરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડીકલ અને અન્ય પુરાવા એકત્રિત કરીને આરોપી વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
પોલીસ સ્ટેશન બહાર હોબાળો :ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈ મોડી રાત સુધી લોકોએ પોલીસ મથક બહાર ટોળા રૂપે એકત્રિત થઈ આક્રોશ ઠાલવી હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસે સંયમ સાથે લોકોને શાંત કરી કોમી તંગદિલી ફેલાવતા રોક્યા હતા. સાથે જ ખાતરી આપી હતી કે, દોષિતને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ કેસની તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે દરેક પ્રકારના પુરાવા જાળવી રાખવામાં આવશે. લોકોમાં આ મામલે ન્યાય મળે તેવી માંગ જોવા મળી હતી.
- સુરતના દરિયાકિનારે મળેલા ચરસના જથ્થાને લઇ તપાસનો ધમધમાટ શરુ
- સુરત પોલીસે બિનવારસી ચરસનો જથ્થો મળ્યા બાદ ચરસ શોધવા વધારી સક્રિયતા