વલસાડ :ભિલાડમાં આવેલ ગુલશનનગર વિસ્તારમાંથી 23 ડિસેમ્બરના રોજ લગ્ન સમારોહમાં આવેલ ખાન પરિવારનો 8 વર્ષીય બાળક ગુમ થયો હતો, જેને વલસાડ પોલીસે 25 ડિસેમ્બરે શોધી કાઢ્યો છે. હાલ આ સમગ્ર મામલો અપહરણનો હતો કે કેમ ? બાળકને લઈ જનાર કોણ હતા ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડથી ગુમ થયો બાળક : વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે ગુલશન નગરમાં 23 ડિસેમ્બરે એક લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીથી આઠ વર્ષીય બાળક અફાફ આદિલખાન તેમના માતા-પિતા સાથે આ લગ્ન પ્રસંગમાં ગયો હતો. અહીં તેના નાના-નાનીનું ઘર હોય બાળક લગ્ન પ્રસંગના દિવસે બહાર રમતો હતો. અચાનક જ રાત્રીના નવ વાગ્યા બાદ બાળક ગુમ થયો હતો.
વલસાડ પોલીસને મળી સફળતા :બાળકને શોધવા બાળકના માતા-પિતા સહિતના પરિવારજનોએ પોલીસની મદદ લઈ શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસની શોધખોળ બાદ ગુમ થયેલ બાળક વાપી નજીકના દમણ ગંગા પાસેથી મળી આવ્યો હતો. બાળકને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ સમગ્ર ઘટનાક્રમ અંગે વલસાડ જિલ્લા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં ગુમ થયેલ બાળક આખરે મળ્યો (ETV Bharat Gujarat) કેવી રીતે ગુમ થયો બાળક ?આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, 23મી ડિસેમ્બરે બાળક ભીલાડમાં તેમના નાના-નાનીના ઘરે આવ્યો હતો. જ્યાં એક લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રીના સમયે તે ગુમ થયો હતો. જેથી પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક લોકોએ બાળકને શોધવા તપાસ હાથ ધરી હતી.
ક્યાંથી મળ્યો ગુમ બાળક ?બાળક 25 ડિસેમ્બરે વાપી નજીક દમણ ગંગા નદી કિનારે CETP નજીકથી મળી આવ્યો છે. બાળકને બાદમાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. બાળકની સ્થિતિ સ્વસ્થ છે. આગામી દિવસોમાં તબીબની સલાહ બાદ ચાઈલ્ડ વેલ્ફેર અને માતા-પિતાની હાજરીમાં બાળકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
પોલીસ વિભાગનું મિશન મિલાપ :ખાન પરિવારના આ આઠ વર્ષીય અફાફ ખાન ગુમ થયા બાદ 2 દિવસે મળી આવતા મળી આવતા તેમના પરિવારે પોલીસ સ્ટાફનો અને સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, વલસાડ પોલીસે મિશન મિલાપ હેઠળ છેલ્લા એક વર્ષમાં 400થી વધુ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢી સફળતા મેળવી છે.
બાળક સાથે મળી શંકાસ્પદ વસ્તુ :બાળક જ્યાંથી મળી આવ્યો તે સ્થળે કમજોર હાલતમાં હતો. તેની નજીક એક કોથળો પણ પડ્યો હતો. જેથી એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, આ બાળકનું કદાચ અપહરણ કરવામાં આવ્યુ અને બાળકને તે બાદ અહીં લાવવામાં આવ્યો હતો. જે માટે આ કોથળાનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, હાલ ઘટનાક્રમ અંગે પોલીસે વધુ વિગતો આપવાનું ટાળ્યું છે.
- મુઝે "ના" સુનના પસંદ નહીં હૈ" આરોપી ગળું દબાવી ક્રૂરતાપૂર્વક મારી નાખતો
- પારડી નજીક અવાવરું જગ્યાએ મળ્યો કિશોરનો મૃતદેહ, બે દિવસથી ગુમ હતો