વલસાડમાં ખેડૂત મતદારોને ભાજપ સરકારે ખાતામાં પૈસા નાખ્યા, ખેડૂતોનો મત ભાજપ તરફી રહેશે વલસાડ: તાલુકાના ફલોદરા ગામે મતદારો સાથે સીધી વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં જે રીતે વિકાસના કામો થયા છે અને અમારા ગામની આસપાસના વર્ષો જુના બિસ્માર માર્ગો છેલ્લા પાંચ વર્ષમાં બનીને તૈયાર થઈ ગયા છે. જો કે કોંગ્રેસની સરકાર હતી તે સમયે આ રસ્તાઓ બાજુ કોઈ જોતું પણ ન હતું. હાલમાં માર્ગ બની જતા લોકોને આવન-જાવન માટે મુશ્કેલીઓ ઓછી પડી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના ફલધરા ગામે મતદારો કયા ઉમેદવારને પોતાનો બહુમૂલ્ય મત આપશે.જે જાણવાનો પ્રયાસ ETV ભારતની ટીમે કર્યો હતો.
પાક-વીમા અને નુકસાનીનું વળતર મળ્યું: વલસાડ જિલ્લો આમ તો કેરીના પાક માટે જાણીતો છે. જ્યાં દર વર્ષે કેરીની સિઝનમાં વરસાદ કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવતા ગત વર્ષોમાં પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. એવા સમયે સરકારે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવ્યું. આ વાત જોતા જણાઇ આવે છે કે, ખેડૂતની લાગણી અને આત્મીયતા સાથે સરકાર જોડાયેલી છે અને તેની તમામ વેદના સરકાર સમજી શકે છે. સાથે જ સરકારે વિવિધ પાકમાં પાક વીમાની પણ યોજના બહાર પાડી છે.
પાણી માટે ચેક ડેમ બનાવી આપ્યા:ખેડૂતોને ખેતીમાં પાણીની સખત જરૂર રહેતી હોય છે. આવા સમયે ચોમાસામાં આવતું વરસાદી પાણી ઉનાળા દરમિયાન પણ તેઓને મળી રહે તે માટે વિવિધ નદી, નાળા, ચેકડેમ સરકાર દ્વારા બનાવી આપવામાં આવ્યા છે. આવા નાનકડા ચેકડેમો ચોમાસા દરમિયાન આવતા વરસાદી પાણીને રોકી રાખીને છેક ઉનાળા સુધી ખેડૂતોને પાણી પૂરું પાડે છે એટલે ખેડૂતો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી ચેકડેમની યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયક સાબિત થઇ છે. જેનાથી ખેડૂતો શાકભાજી સહિતની વિવિધ ખેતીઓ કરી રહ્યા છે.
ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લાવ્યા: ખેડૂતો મતદારો જણાવી રહ્યા છે કે, ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને બદલાવો લાવ્યા છે એ જોતા આ વર્ષે પણ જો ભાજપને સહયોગ કરવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે નવી યોજનાઓ કેન્દ્રમાંથી લાગુ કરશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળી શકશે. તેથી આ વર્ષે પણ ખેડૂત મતદારો ભાજપની તરફેણ કરે એવી શક્યતાઓ છે.
108 જેવી યોજનાથી લોકોને લાભ: ખેડૂત મતદારોએ જણાવ્યું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના ખેડૂતો માટે આયુષ્માન ભારત યોજના અને 108 જેવી યોજનાઓ આપી છે. તેના લીધે અંતરીયાળ ગામોમાંથી પણ નાદુરસ્ત તબિયત ધરાવનારા લોકોને મફતમાં હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાનો લાભ મળતા દર્દીઓને 10 લાખ કરતા વધુ રૂપિયાની રકમની સારવાર મફતમાં મળી શકે છે. આમ વલસાડ તાલુકાના ફલધરા ગામે ખેડૂત મતદારો પણ આશા અને અપેક્ષા સાથે ભાજપ તરફી રહેશે તેવું જણાવી રહ્યા છે.
- છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર, કડુલી મહુડી ગામે જંગી જન સભા યોજાઈ - Loksabha Election 2024
- ગોપાલ ઈટાલિયાના ગામમાં ભાજપનો ચૂંટણી પ્રચાર, નીમુબેન બાંભણિયાએ યોજી જાહેર સભા - Loksabha Election 2024