ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં મોડી રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું, વૃક્ષો પડતા અનેક રસ્તાઓ થયા બંધ - Thunderstorm in Bhavnagar

ભાવનગર શહેરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ તો ન વરસ્યો પરંતુ વાતાવરણમાં આવેલા પલટાને પગલે ભારે પવન ફૂંકાયો હતો. તેના પરિણામે મીની વાવાઝોડા જેવા દ્રશ્યો ઉભા થયા હતા. જ્યારે શહેરમાં અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા. Thunderstorm in Bhavnagar

ભાવનગરમાં મોડી રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું, વૃક્ષો પડતા અનેક રસ્તાઓ થયા બંધ
ભાવનગરમાં મોડી રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું, વૃક્ષો પડતા અનેક રસ્તાઓ થયા બંધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 11:29 AM IST

ભાવનગર: ભાવનગર જિલ્લામાં ગઈકાલે ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની ચેતવાણીને પગલે મોડી રાતે ભાવનગર શહેરમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. શહેરમાં ધૂળ સાથે પવન જોરશોરથી ફૂંકાયો હતો. જોકે કોઈ મોટી જાનહાની તો થઈ નથી, પરંતુ વૃક્ષો આ પવનના ઝપેટમાં આવી જમીનદોસ્ત થયા હતા.

ભાવનગરમાં મોડી રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું, વૃક્ષો પડતા અનેક રસ્તાઓ થયા બંધ (etv bharat gujarat)

બપોરે આવ્યો વાતાવરણમાં પલટો: ભાવનગર શહેરમાં ગઈકાલે બપોરે ગુજરાત સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જે શિહોર પંથકમાં કમોસમી વરસાદ 13 એમએમ જેટલો વરસ્યાનું નોંધાયું હતું. જો કે, મોડી રાત થતા જ ભાવનગર શહેરમાં રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન ફૂંકાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. પવન સાથે ધૂળ અને ડમરીઓ પણ ઉડવાને કારણે રસ્તા પર જતાં રાહદારીઓને એક તરફ ઊભા રહી જવાની ફરજ પડી હતી. શહેરના રસ્તાઓ અને ગલીઓ ધૂળથી ભરાઈ ચૂક્યા હતા. જો કે પવનની સાથે વરસાદ સાથે વરસ્યો નોહતો. ઉપરાંત ભાવનગરના દેસાઈનગરથી આખલોલ તરફ જતા માર્ગ પર રોડની લાઈટો પણ બંધ થઈ ગઈ હતી.

શહેરના રસ્તાઓ વચ્ચે વૃક્ષો ધરાશાયી થયા:ભાવનગરમાં રાત્રિના નવ વાગ્યા બાદ અચાનક આવેલા વાતાવરણમાં ફેરફારના પરિણામે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. મીની વાવાઝોડામાં આવેલા ભારે પવનને કારણે કોઈ જાનહાનિનો કિસ્સો થવાની ઘટના સામે આવી નથી, પરંતુ શહેરના ગંગાજળિયા તળાવની પાળે એક વૃક્ષ ધરાશાયી થતા અડધો રસ્તો બંધ થઈ ગયો હતો. ઉપરાંત શહેરના મહિલા કોલેજના માર્ગ ઉપર પણ એક વૃક્ષ પડી ભાંગ્યું હતું. જ્યારે અન્ય એક વૃક્ષ મેઘાણી સર્કલથી ગીતા ચોક જવાના માર્ગ ઉપર નાગરિક બેંકની પાસે ધરાશાયી થયું હતું. જેને કારણે રસ્તો રોકાઈ ગયો હતો. આમ ભાવનગર શહેરમાં ત્રણ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ કોઈ મોટી જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી.

  1. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતી, જુઓ વીડિઓ... - unseasonal rain in Gujarat
  2. હવામાનમાં પલટાની પ્રતિકુળ અસરઃ મુંબઈ જનાર 6 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ - Bad Weather Effect

ABOUT THE AUTHOR

...view details