જૂનાગઢ:ગુરૂવારથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનું આયોજન થયું છે. જેમાં રાજ્ય સરકારના 1000 કરતાં વધારે અધિકારીઓ તેમજ પદાધિકારીઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સાથીઓ 3 દિવસ એક મંચ પર હાજર રહીને વર્ષ 2047ના વિઝનના સંકલ્પ પત્ર પર ચર્ચાઓ કરશે. સોમનાથમાં આયોજિત ચિંતન શિબિર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મહત્વની માનવામાં આવે છે. જેમાં આગામી ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી થશે.
સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિર: તારીખ 21મી નવેમ્બરના રોજ ગુરુવારથી સોમનાથ ખાતે ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક વિશાળ ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે મંત્રી પરિષદના અન્ય પ્રધાનો અને રાજ્યના 1000 કરતાં વધારે ઉચ્ચ અધિકારીઓ ચિંતન શિબિરમાં સામેલ થશે. જેમાં વર્ષ 2047ના સંકલ્પ પત્રની સાથે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આપી રહેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે. 3 દિવસમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્રની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેની કસરત જિલ્લાના અધિકારીઓને મળી શકે છે.
2003માં નરેન્દ્ર મોદીએ કરી હતી શરૂઆત:રાજ્યની ચિંતન શિબિરની શરૂઆત 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ સ્થળો પર જઈને રાજ્યની સરકાર અને ઉચ્ચ અધિકારીઓ એક સાથે બેસીને લોક કલ્યાણકારી યોજનાઓ પર મંથન કરી શકે તે માટે આ બેઠકનું આયોજન થતું રહ્યું છે. જેમાં 11મી બેઠકનું આતિથ્ય સોમનાથને મળ્યું છે. અગાઉ પણ એક વખત સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન બેઠક મળી ચૂકી છે. ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પણ થવાની પૂરી શક્યતાઓ છે.