સુરત:રાજ્યમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. છાશવારે દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ બનવા લાગી છે. બે દિવસ અગાઉ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ભાયલી રોડ પર એક યુવતી પર થયેલ ગેંગરેપની ઘટનાએ આખું રાજ્ય હલી ગયું છે.
રાજ્યભરમાં આ ઘટનાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડે સુધી ગરબે ઘુમજો, પોલીસ તમારી સુરક્ષામાં તહેનાત છે જેવા નિવેદનો આપી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે વડોદરા જેવા મોટા શહેરમા ગેંગરેપની ઘટના સામે આવતા લોકો સરકાર પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરા ઘટનાથી વાલીઓ ચિંતામાં: આમ તો ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે. મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે, પણ જે વડોદરામાં ઘટના બની છે તેનાથી વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી દુઃખ વ્યક્ત કર્યું હતું.