સુરત:પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધાને તેની 55 વર્ષીય પુત્રવધૂ વાળ પકડી ઘસડતી અને લાતો વડે ફટકારતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી હતી. આ સમગ્ર ઘટના પાડોશીએ વિડીયોમાં કેદ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વિડીયો વાયરલ થતાં મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના શીતલ ભડિયાદરા સહિતના સામાજિક આગેવાનોની ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઇ આવી હતી. આ ઉપરાંત પુત્રવધૂ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી સાથે કલાકો સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સામાજિક સંસ્થા ચલાવતા શીતલ ભડિયાદરા, ચેતનાબેન સાવલિયા સહિતની મહિલા આગેવાનો પુણા પોલીસ મથકે દોડી આવ્યા હતા. એક વૃદ્ધાને તેની પુત્રવધૂ મારઝૂડ કરતી હોવાના આક્ષેપ સાથે એક વીડિયો પોલીસને બતાવ્યો હતો.
80 વર્ષની વયોવદ્ધા પર અત્યાચાર:
વીડિયોમાં એક વૃદ્ધા નગ્ન અવસ્થામાં તેના ઘરની લોબીમાં ખાટલા પાસે બેઠી હતી તે વખતે પુત્રવધૂ ત્યાં આવી લાતો વડે ફટકારવાની સાથે વાળ પકડી ઘસડતી હોવાનું દેખાયું હતું. સોશિયલ મીડિયા વાયરલ થયેલો આ વિડિયો ઘરની ઉપરના માળેથી કોઈએ ઉતારી સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો.
પુણા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ દ્વારા તેમની એક ટીમ, સામાજિક કાર્યકરો સાથે ઘટના બનેલ માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી. પોલીસ, NGO વયોવૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત કૃશકાય 80 વર્ષની વયોવદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસ અને NGOને જોઈ જેની પર માર મારવાનો આરોપ હતો તે પુત્રવધૂ તથા પૌત્ર પણ ત્યાં દોડી આવ્યા હતા.