સુરત:સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોરીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. તેની સાથે ચેઇન સ્નેચિંગ જેવા બનાવો પણ બનતા રહે છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી 2 ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આ બંને આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતાં હતા. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
2 ચેઇન સ્નેચર સામે 22 ગુનાઓ નોંધાયેલ: સુરત ક્રાઇમ બ્રાંન્ચે ઝડપેલા આ 2 આરોપીઓ મોહિત પટેલ અને રાહુલ રંગા બંને સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કવોર્ડને બાતમી મળી હતી કે, પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલ ચાર રસ્તા પાસેથી 2 શખ્સો ચેઇન સ્નેચિંગની વારદાતને અંજામ આપવા માટે નીકળવાના છે. જેથી વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ચેઇન સ્નેચરો પાસેથી મુદ્દામાલ જપ્ત: આ બંને આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, 3 બાઇક કુલ રુ. 12.85.210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બંને આરોપીઓ મોહિત પટેલ અને રાહુલકુમાર રંગા બંને હિસ્ટ્રીશીટર ચેઇન સ્નેચરો છે. આ બંને ચેઇન સ્નેચર આરોપીઓ વહેલી સવારમાં જ પોતાની ઓળખ જાહેર ન થાય એવી રીતે ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા. સ્થળની રેકી કરીને મહિલાઓને નહી પુરુષોને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ મોઢે રુમાલ બાંધીને કે માસ્ક બાંધીને નંબર પ્લેટ વગરની બાઇક પર ચોરી કરતા હતા.