ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નોકરી અને દુબઈમાં બિઝનેસ, શાળાના આચાર્યને રાજ્ય સરકારે ઘરે બેસાડી દીધા - SURAT PRINCIPAL SANJAY PATEL

રાજ્ય સરકારે સુરતમાં અમરોલીની સ્નેહરશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તેઓ 33 વાર બિનઅધિકૃત રીતે દુબઈના પ્રવાસે ગયા હતા.

આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ
આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 3:07 PM IST

સુરત :ગુલ્લીબાજ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેતા રાજ્ય સરકારે વધુ એક આચાર્યને ઘરે બેસાડ્યા છે. બિનઅધિકૃત રીતે દુબઈ પ્રવાસે જનારા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળાના આચાર્ય સંજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુલ્લીબાજ આચાર્ય સસ્પેન્ડ : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક 285 ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે 33 વખત દુબઈ પ્રવાસે ગયા હતા.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા (ETV Bharat Gujarat)

સંજય પટેલ 33 વખત દુબઈ ગયા :આ સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોવાથી આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે.

ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલા :રાજ્ય શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર 2 શિક્ષકોની વિગત મળી છે. પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે, આવા શિક્ષકોને માફ નહીં કરી શકાય.

એક વર્ષમાં 60 શિક્ષકો સસ્પેન્ડ :બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર હોવાનું જણાવી શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં જતા રહ્યા છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષ દરમિયાન આવા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં 60 જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.

  1. સુરતની ગુલ્લીબાજ શિક્ષિકા ટર્મીનેટ, અન્ય બે શિક્ષકો પણ તંત્રની રડાર હેઠળ
  2. ગુજરાતમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વિધાનસભામાં સરકાર અને વિપક્ષ સામસામે

ABOUT THE AUTHOR

...view details