રાજકોટ: ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રને લાગતી વીજની માંગની માહિતી આપતી સંસ્થાઓનાં આંકડાઓ દર્શાવી રહ્યા છે કે, ભારતમાં પાછલા થોડા દિવસોમાં જેમ-જેમ ગરમીનો પારો વધ્યો છે તેમ તેમ વીજળીની ખપત પણ વધી છે. નેશનલ પાવર પોર્ટલ પર દર્શાવવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષોત્તર 1લી એપ્રિલથી લઈને 7મી મેં સુધી આપેલા લક્ષ્યાંકવાળા વીજ ઉત્પાદનમાં સામે કરવામાં આવેલા અસ્સલ વીજ ઉત્પાદનમાં અંદાજે 13%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે રોજિંદા વીજ ઉત્પાદનમાં 21% જેટલો વધારો જોવા મળ્યો હતો.
જાણો વીજપરિવહન કંપનીની મહત્વપૂર્ણ માહિતી: દેશમાં સાત ચરણમાં ચાલી રહેલી ચૂંટણી સંદર્ભે લગાવવામાં આવેલી આચારસંહિતા અનુસંધાને સરકારી વીજ-ઉત્પાદન કે વીજપરિવહન કરતી કંપનીનાં કોઈ અધિકારી આ સંદર્ભે કેમેરા પર બાઈટ આપી શકે તેમ ન હોવાથી અનૌપચારિક રીતે તેમણે અમુક આંકડાઓ ETV BHARATને આપ્યા જેનાં પરથી વીજ ઉત્પાદન અને વીજ માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન દ્વારા ETV BHARATને આપેલી માહિતી મુજબ વર્ષોત્તર તેમજ એપ્રિલ-મેંનાં વર્ષ 2024નાં મહિનામાં પણ વીજમાંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
ભારતના વીજ ઉત્પાદનની આંકડાકીય માહિતી:
- 7મી મેં 2023ના રોજ સમગ્ર ભારતમાં 1લી એપ્રિલથી લઈને 7મી મેં 2023 સુધી 1,74,973.41 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન લક્ષ્યની સામે 1,49,508.47 મિલિયન યુનિટ્સ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું,
- જે 7મી મેં 2024ના રોજનાં 1,75,497.73 મિલિયન યુનિટ્ વીજ ઉત્પાદનનાં લક્ષ્યની સામે 1,68,257.36 મિલિયન યુનિટ્સ પહોંચ્યું છે.
- આમ વર્ષોત્તર આ વીજ ઉત્પાદનનાં લક્ષ્યમાં માત્ર 524.32 મિલિયન યુનિટ્સનો જોવા મળ્યો જે ટકાવારીની દ્રષ્ટિએ માત્ર 0.3% છે,
- જ્યારે લક્ષ્યાંક સામે કરવામાં આવેલા વીજ-ઉત્પાદનમાં 18,748.89 મિલિયન યુનિટ્સનો વધારો જોવા મળ્યો જે 13% આસપાસ છે.
- તો બીજી તરફ રોજિંદા કરવામાં આવેલા વીજ-ઉપ્તાદનનાં લક્ષ અને અસ્સલમાં કરવામાં આવેલા વીજ ઉત્પાદન મુદ્દે પણ ખાસો એવો વધારો જોવા મળ્યો હતો,
- તારીખ 7મી મેં 2023નાં રોજિંદા વીજ ઉત્પાદનનાં કુલ 4,480.16 મિલિયન યુનિટ્સનાં લક્ષ્ય સામે 3,783.34 મિલિયન યુનિટ્સ વીજળી પેદા કરવામાં આવી હતી
- જયારે 7મી મેં 2024નાં રોજિંદા વીજ ઉત્પાદનનાં કુલ 4,582.52 મિલિયન યુનિટ્સનાં લક્ષ્ય સામે 4,584.85 મિલિયન યુનિટ્સ વીજળી પેદા કરવામાં આવી હતી.
- આમ વર્ષોત્તર રોજિંદા વીજ ઉત્પાદનનાં લક્ષ્યમાં 102.36 મિલિયન યુનિટ્સનો એટલે કે 2.28% વધારો જોવા મળ્યો હતો.