ગાંધીનગર:19 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ સત્ર એ છઠ્ઠુ સત્ર છે. જે 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનાર સભાઓની તારીખવાર યાદી જાહેર કરવામાં આવી છે.
વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ સત્રનું આહવાન કરશે. જ્યારે 20 મી ફેબ્રુઆરીએ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. આમ, આ વખતે કુલ 27 બેઠકો યોજીને બજેટ સત્ર યોજાશે.
બજેટ સત્રના કાર્યક્રમો પર એક નજર:
- આવતીકાલે સભામાં આભાર પ્રસ્તાવ થશે તેમજ સરકારી કામકાજ પર ચર્ચા થશે.
- 20 મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ વર્ષ 2009-10 અને 2010-11 માટેના વધારાના ખર્ચના પત્રકો રજૂ કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2024-25 માટેના ખર્ચના પૂરક પત્રકો તેમજ વર્ષ 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.
- ત્યારબાદ 21, 24, 25, 27 ફેબ્રુઆરીએ સરકારી કામકાજ તેમજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે.
- 28 ફેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.
- માર્ચ મહિનામાં ગોઠવવામાં આવેલી બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થશે.
- 28 માર્ચના રોજ છેલ્લા દિવસાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થશે.