રાજકોટ :સોમવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલનને કચ્છ, રાજકોટ અને જામનગરના રાજવીઓએ સમર્થન આપ્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે, આ જુવાળ હિન્દી હાર્ટલેન્ડમાં પેસી રહ્યો છે. ETV Bharat ને મળેલ એકઝકલયુઝીવ વિડીયોમાં હરિયાણાની રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા ઉર્ફે પંકજસિંહ પંડિરે રૂપાલા વિરુદ્ધ ચૂંટણી લડવાની તૈયારી દાખવી છે.
શેરસિંહ રાણાએ કહ્યું કે, રાજકોટ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે ઉચ્ચારવામાં આવેલા નિવેદનોથી સમગ્ર ભારતમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે અને નારાજગીના સ્વરૂપે ક્ષત્રિય સમાજની ઘણી શાખાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદન આપવા છતાંયે એ દિશામાં કોઈ હકારાત્મક પરિણામ હજુ જોવા મળ્યું નથી.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈને રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીએ પણ અનેકવાર પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા છે. ક્ષત્રિય સમાજના આહ્વાનને ધ્યાને લઈને એ નિર્ણય પણ લીધો છે કે, રૂપાલા વિરુદ્ધ અમારો પક્ષ એક ઉમેદવારને ઉતારવા તૈયાર છે. જેથી સમગ્ર દેશમાં એ સંદેશ જાય કે ભાઈચારા માટે રાજનીતિ થવી જોઈએ, એમને લડાવવા માટે નહીં. આ મુદ્દે અમે કોંગ્રેસ પક્ષ સાથે પણ વાત કરી છે, સાથે-સાથે એક બહુપ્રતિષ્ઠિત પટેલ ઉમેદવાર સાથે અમારો વાટાઘાટો ચાલુ છે, જેને અમે પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ મેદાનમાં ઉતારીશું.
કોણ છે શેરસિંહ રાણા ?અત્રે ઉલ્લેખનીય છે કે, શેરસિંહ રાણા ઉત્તર ભારતની રાજનીતિમાં એવું નામ છે જેમણે જુલાઈ 2001માં અન્ય બે માણસો સાથે મળીને ડાકુરાણી ફૂલન દેવીની નવી દિલ્હીમાં તેના ઘરની બહાર જ હત્યા કરી હતી. તેમની હત્યા સમયે, ફુલન દેવી 13 મી લોકસભામાં સાંસદ સભ્ય હતા. શેરસિંહ રાણા દાવો કરે છે કે તે 1970 ના દાયકાના અંતમાં અને 1980 ના દાયકાના પ્રારંભમાં મુખ્યત્વે ઉચ્ચ જાતિઓ સામે કામ કરતી ડાકુ ગેંગના નેતા તરીકેની તેણીની ક્રિયાઓનો બદલો લેવા પ્રેરિત હતા.
રાણાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે હત્યાની કબૂલાત કરી હતી. શેરસિંહ રાણાએ કંદહારથી 11મી સદીના હિંદુ રાજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણના અવશેષો લાવ્યાનો દાવો કર્યા બાદ હિંદુ ક્ષત્રિય સેના દ્વારા તેમનું મહિમામંડન પણ કરવામાં આવ્યું હતું.
રુપાલા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ :સોમવારે રાત્રે મહદંશે કોઈપણ પ્રકારના સામાજિક, રાજકીય કે અન્ય નિવેદન આપવાથી દૂર રહેતા જામનગરના રાજવી શત્રુશૈલ્યજી મહારાજે ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપ્યો. ત્યારબાદ ભારતના ક્ષત્રિય સમાજ તેમજ અન્ય રાજવી પરિવારો અને પ્રભાવશાળી રાજપૂત નેતાઓ પણ આ દિશામાં પોતાના વિચારો, મંતવ્યો અને નિવેદનો રજૂ કરવા હવે નિર્ભીક રીતે આગળ વધી રહ્યા છે. હિન્દી હાર્ટ લેન્ડમાંથી રૂપાલા વિરુદ્ધ ઉમેદવાર ઉભો કરવાનો સીધો પડકાર એ દિશામાં નિર્દેશ કરી રહ્યો છે કે રૂપાલા વિરુદ્ધ રાજપૂતી જુવાળ હવે દેશમાં પ્રસરવા લાગ્યો છે.
- જામનગરના જામ સાહેબે રૂપાલા વિરૂદ્ધ રાજપૂતોના આંદોલનને આપ્યું સમર્થન - Loksabha Election 2024
- અમદાવાદ એરપોર્ટ ઉપર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, પાઘડી ખેંચાઈ જતાં ક્ષત્રિયોમાં રોષ