કચ્છ: ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા હતા અને વરસાદથી વધુ માત્રામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તાર માંડવી અને અબડાસાની મુલાકાત લેવામાં આવી રહી છે.તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાની અંગે વાતચીત કરી હતી.
શકિતસિંહ ગોહિલે નુકસાની અંગે માહિતી મેળવી: પ્રદેશ પ્રમુખ શકિ્તસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી. શકિતસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. શકિતસિંહ ગોહિલ 2 દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો.
આપત્તિના સમયે લોકોની મદદ કરવી જોઈએ:સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે. કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી. ત્યારે જેનું જે નુકસાન થયું તેને પૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું. તે સમયે જે લોકોના ઝુંપડા પડી ગયા હતા. તેવા લોકોને પાકા મકાનો બંધાવીને આપ્યા હતા જે આજે પણ હજુ ઊભા છે. જે માલધારીઓના પશુઓ અતિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવું જોઈએ. જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે. તેને પણ વળતર આપવું જોઈએ.
5000 રૂપિયામાં શું થાય?:આજે ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે 1 ફોર્મ ભરાવી રહી છે. જેમાં કપડાં અને ઘરવખરીના 2500 રૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા 2500 રૂપિયા અપાય છે. જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે. તેમનું 5000 રૂપિયામાં કંઈ ભલું થાય ખરું? ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટીએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ. ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ, તલ, એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે. ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ. તાત્કાલિક સર્વે કરીને વ્હોટ્સએપના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ.
સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય કરે:અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશડોલ્સ એટલે કે રોકડની સહાય રોજે રોજની મળવી જોઈએ. તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં છે. પરંતુ સરકાર એમ જણાવે છે કે, સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે. તેવા લોકોને જ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં થયેલ નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઈલ મારફતે પણ કરવામાં આવી છે. આશા છે કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય આપે.