મોરબી :વાંકાનેરના કોઠી ગામમાં છેડતી બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી સાત ઇસમોએ ફરિયાદી પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
પરિણીતાની છેડતીનો મામલો :આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત 11 સપ્ટેમ્બર, 2004 ના રોજ કોઠી ગામે કથા અને ભજન કાર્યક્રમનું આયોજન થયું હતું. જે મોડી રાત્રીના પૂર્ણ થયા બાદ મહિલા તેના બાળકોને લઈને અગાસી પર સુવા ગઈ હતી. આ મહિલા સૂતી હતી, ત્યારે આરોપીએ અગાસી પર જઈને તેની છેડતી કરી હતી. જે બાબતે ફરિયાદી સહિતનાને જાણ થતા પરિવારજનોએ આરોપીને ઠપકો આપી સમજાવવા જતા સમાધાન થઈ ગયું હતું.
સાત આરોપી વિરુદ્ધ કેસ :જોકે, બાદમાં આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી ગાળો આપી હત્યાનો પ્રયાસ કરતા જીવલેણ ઘા કરી માથામાં ગંભીર ઈજા કરી હતી. જે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બાદમાં કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસ એડિશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી રહ્યા હતો. આ કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ કોર્ટમાં 23 મૌખિક પુરાવા અને 62 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
10 વર્ષની કેદ અને દંડની સજા :આ પુરાવાના પગલે કોર્ટે આરોપી ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડું સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા અને નાગજી દેવા સરૈયાને ભારતીય દંડ સંહિતાની કલમ 307, 323, 324, 143,147,148,149 મુજબના ગુનામાં દોષિત ઠેરવી સજા સંભળાવી છે. જેમાં કોર્ટે દરેક આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ 1.20 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ઈજા પામનાર હઠાભાઈને રૂ. 2 લાખ વળતર અને આરોપીઓ દંડની રકમ ભરે તે સહિત કુલ રૂ. 3.20 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.