રાજકોટ: શહેરમાં ગરબા આયોજકો દ્વારા નવા નિયમો મુજબ ફાયર NOC લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વસ્તુ યોગ્ય હશે તો મંજૂરી આપવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે. આ મુદ્દે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ, 'નવરાત્રિને લઈને રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રાસ-ગરબાનાં આયોજન થતા હોય છે. આ પૈકી અત્યાર સુધીમાં 15 આયોજકો દ્વારા ફાયર NOC માટેની અરજી કરવામાં આવી છે.'
ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે: વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, 'સરકારની નવી ગાઈડ લાઇન મુજબ ફાયર સેફ્ટીનાં જે સાધનો રાખવાના છે, તેના માત્ર ડિકલેરેશન આપવાના છે. જેમાં અમુક અંતરે ABC ટાઈપનાં ફાયર એક્સટિંગ્વિશર, CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, રેતીની ડોલ તેમજ પાણીના બેરલ પણ સામેલ છે. આયોજકોએ આ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે. ગરબા આયોજકો દ્વારા મળેલા ડિક્લેરેશન સાથે એક સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. જે પણ ચાર કોપીમાં હશે. આ પૈકીની એક કોપી મનપા પાસે, બીજી પોલીસ પાસે, ત્રીજી PGVCL પાસે અને ચોથી કોપી આયોજકો પાસે રહેશે. આ કોપી દ્વારા PGVCLનું ટેમ્પરરી કનેક્શન પણ મેળવી શકાશે. ડિકલેરેશન મુજબની વ્યવસ્થા છે કે નહીં? તે જોવા માટે ફાયરની ટીમ દ્વારા ગમે ત્યારે ઓચિંતું ચેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ ખામી જણાશે તો તાત્કાલિક તે દૂર કરવાની રહેશે.'