અમદાવાદ :રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે 29 જુલાઇના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
વહેલી સવારથી ધીમીધારે વરસાદ :અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોપલ, SG હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ (ETV Bharat Reporter) રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી :
રાજ્યમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 અને 31 જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાથે જ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રહલાદનગર વિસ્તારમાં જળબંબાકાર (ETV Bharat Reporter) શહેરમાં વરસાદ ઘટ્યો :અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28 જુલાઈ સુધી 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા, જ્યારે વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે.
સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ :હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
- ચાલો સાપુતારા, આજથી એક મહિનો સાપુતારામાં 'મેઘ મલ્હાર પર્વ'ની ફુલ મોજ
- સ્વાદના રસિકો માટે અમદાવાદનો આ વ્યક્તિ માત્ર આઠ રૂપિયામાં વેંચે છે "બટર દાબેલી"