અમદાવાદ: 17 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીને લઈને વિરોધ પક્ષ સહિત કેટલાક દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમિત શાહ માફી માંગે અને ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં દલિત પેન્થર સંગઠન તથા જૂનાગઢ અને ઉનામાં પણ કોંગ્રેસ અને AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં દલિત પેન્થર સંગઠન રસ્તા પર
અમદાવાદમાં શુક્રવારે બપોરે ભારતીય દલિત પેન્થર સંગઠન દ્વારા 'અમિત શાહ રાજીનામું આપે અને સમગ્ર દેશની માફી માંગે' તે પ્રકારની માંગ સાથે રસ્તા પર ઉતરી નારાઓ ઊંચારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અંદાજિત 100થી વધુ દલિત પેન્થર સંગઠનના લોકો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. જોકે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહેલાથી જ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત દલિત પેન્થર સંગઠનના પ્રમુખ પ્રદીપ પરમારે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર અંગે જે રાજ્યસભાની અંદર ટિપ્પણી કરવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે અને તેનાથી દેશની 142 કરોડ જનતાનું અપમાન થયું છે. આથી અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ અને સમગ્ર દેશની અને એસસી સમાજની માફી માગવી જોઈએ.