સુરત: RTI એક્ટિવિસ્ટની આડમાં ખંડણીખોરીના ગોરખધંધા કરી પાલિકાના અધિકારીઓ-બિલ્ડરોને બ્લેકમેઈલ કરતા તત્ત્વો પર આખરે પોલીસની ગાજ વરસી છે. પોલીસે કડક તેવર અપનાવી 10 RTI એક્ટિવિસ્ટ્સ પર કાયદાનો કોરડો વીંઝ્યો છે. ખોટી રીતે પરેશાન કરી ખંડણી માંગનારા તત્ત્વો વિરુદ્ધ નિડર થઇ ફરિયાદ માટે આગળ આવવા પણ કમિશનરે અપીલ કરી છે.
ધારાસભ્ય અરવિંદ રાણાની એક્શન લેવાની માંગ:સુરત શહેરમાં RTIના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે. RTIના શસ્ત્ર થકી તંત્રના કાન આમળવાને બદલે કેટલાક તત્ત્વોએ બ્લેકમેઇલિંગની હાટડી શરૂ કરી દીધી હતી. RTI એક્ટિવિસ્ટ્સ બની કેટલાક તત્ત્વો રીતસર લૂંટ મચાવી રહ્યા છે. પાલિકા અધિકારીઓ, બિલ્ડરો, વેપારીઓ આવા ખંડણીખોરોથી તોબા પોકારી ઉઠ્યા હતા. આ મામલે પોલીસ કમિશનરથી લઇ મુખ્યમંત્રી સુધી વ્યાપક ફરિયાદો પણ થઈ ચૂકી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ RTI એક્ટિવિસ્ટ્સના જુલમ સામે અવાજ ઉઠાવી 18 એક્ટિવિસ્ટ્સના નામ સાથેની વિગતો ગાંધીનગર સુધી રજૂ કરી કડકમાં કડક એક્શન લેવાની માંગ કરી હતી.
પોલીસ મથકોમાં 13 ગુના નોંધાયા: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ આખરે RTIના નામે અધિકારીઓ-બિલ્ડરોને રંજાડતા તત્ત્વો પર કડક એક્શન લેવાના આદેશો જારી કર્યા હતા. જે અંતર્ગત SOGના DCP રાજદીપસિંહ નકુમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવી ગેરકાયદે બાંધકામ મામલે ખોટી અરજીઓ કરી લોકોને હેરાન-પરેશાન કરતી ટોળકી અંગે વિગતો મેળવી હતી અને આખરે આવા તત્ત્વો કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં લાલગેટ, મહિધરપુરા અને અઠવા પોલીસ મથકોમાં 13 ગુના નોંધાયા છે, જેમાં હબીબ સૈયદ, મુસ્તાક બેગ અને સાકીર મસ્તાનની ધરપકડ કરી વરઘોડો પણ કઢાયો હતો. પોલીસે આરોપીઓને ખાખીનો પરચો પણ બતાવ્યો હતો.