રાજકોટ:સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1742 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 5.74 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે. PGVCLની ટીમને ચેકિંગ દરમિયાન ગેરરીતિમાં સીધા લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો, વગેરે જોવા મળ્યા હતા.
રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ 426 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી
રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 426 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 1.63 કરોડ, ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.84 લાખ અને બોટાદ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.89 લાખની વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે.
વધુમાં, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયાએ વાણિજ્ય હેતુના ઈમિટેશન ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડીને મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા હોવાનું માલુમ પડતા રૂ.35 લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરા, વાણિજ્ય હેતુની હોટેલ માટે ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ.6 લાખની વીજચોરીના બિલ આપવામાં આવ્યા છે.