સુરત : છેલ્લા ઘણા સમયથી સંપર્ક વિહોણા થયેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આખરે મીડિયા સામે આવ્યા હતા. લોકસભા ચૂંટણી માટે ટેકેદારોની સહીને લઈ વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી ત્યારથી જ તેઓ પરિવાર અને કોંગ્રેસ પાર્ટીથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. 22 દિવસ બાદ આખરે તેઓ જ્યારે સામે આવ્યા ત્યારે તેઓએ સીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસ પક્ષે તેમની સાથે ગદ્દારી કરી છે. તેમનો ભાજપ સાથે કોઈપણ સંબંધ નથી.
22 દિવસ બાદ નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવાર નિલેશ કુંભાણીને બનાવ્યા હતા. પરંતુ નિલેશ કુંભાણીએ નામાંકન સમયે જેમને ટેકેદારો બનાવ્યા હતા તેઓએ ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું હતું કે, ફોર્મ પર તેમની સહી નથી અને ત્યારથી જ વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે નિલેશ કુંભાણીનુ ફોર્મ પણ ચૂંટણી પંચ દ્વારા રદ કરાયુ હતુ. તે સમયે ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા વચ્ચે અચાનક જ નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસ પક્ષ મીડિયા અને તમામ લોકો તેમની સાથે સંપર્ક કરવા માંગતા હતા પરંતુ તેઓ કોઈના સંપર્કમાં ન હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક બાદ એક તેમની ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે, તેઓએ પક્ષ સાથે ગદ્દારી કરી છે. ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા હતા પરંતુ આ વચ્ચે નિલેશ કુંભાણી સામે આવ્યા ન હતા. આખરે 22 દિવસ બાદ તેઓ મીડિયા સામે આવ્યા હતા.