મહેસાણા: 'મેડ ઇન કડી દારૂ... જી હા, દારૂ છે વિદેશી પણ બને છે કડીમાં...' ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બીજા રાજ્યમાંથી ગુજરાતમાં ગમે તે રીતે બૂટલેગરો દારૂ લઈને આવતા હોય જ છે. અવાર નવાર પોલીસ ઠેક ઠેકાણેથી વિદેશી દારૂ પકડી પણ પાડતી હોય છે. પરંતુ બૂટલેગરો હવે કંઈક નવી તરકીબ શોધી લાવ્યા છે. હવે તેઓએ વિદેશી દારૂ બહારથી લાવવાની નહીં રાખતા જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે.
અહીં આશ્ચર્યની બાબત તો એ છે કે જાતે બનાવતા આ દારૂ કોઈ સામાન્ય નથી પણ મેક ડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ જેવી મોટી બ્રાન્ડેડ દારૂની બોટલ છે. કડી નજીક ખેતરમાં ઓરડીમાં એસી લગાવી તેઓ વિદેશી દારૂ બનાવી રહ્યા હતા. જેઓને પકડી પાડવામાં આવ્યા છે.
ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂ: મહેસાણા કડી પોલીસે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા બે શખ્સની ધરપકડ કરી છે. આ સાથે 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. અહીં કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવવામાં આવતી હતી.
પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી પાડયા:કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતરની અંદર કેટલાક ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂ બનાવતા બુડાસણના રહેવાસી ગગન જયંતીભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડાના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બૂચ બંધ કરી રહ્યા હતા. તેમને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.