ભાવનગરઃ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલના ગઢ ભાવનગરમાં કૉંગ્રેસ પાસે ઉમેદવાર નથી ? શા માટે કૉંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી તેમના ઉમેદવારનો સહારો લેવો પડ્યો? આ સવાલોના જવાબો ઈટીવી ભારતે રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકારો પાસેથી મેળવ્યા છે. આ મુદ્દે રાજકીય વિશ્લેષણમાં કેવા તારણો બહાર આવ્યા છે. તેની સચોટ રજૂઆત અત્રે પ્રસ્તુત છે.
શક્તિ સિંહના ગઢમાં કૉંગ્રેસનું ગઠબંધન શા માટે?: ભાવનગર જિલ્લામાં લોકસભા બેઠક ઉપર 1980થી કૉંગ્રેસને માત્રને માત્ર હાર મળી છે. હવે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે. આ મુદ્દે રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, એક કારણ એવું પણ હોઈ શકે કે ભાવનગર બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હાર મેળવતી આવી છે, તેના ઉમેદવાર જીત્યા નથી. મોટા માર્જિનથી કૉંગ્રેસે આ બેઠક ગુમાવી છે. આ વર્ષે નવો પ્રયોગ કદાચ કરવામાં આવ્યો હોય કે આ બેઠક આમ આદમી પાર્ટીને આપીને કદાચ ભાજપને માત આપી શકાય કે કેમ ? દિલ્હી મોવડી મંડળમાં હાલ એવું પણ નક્કી કર્યું હોય કે આમ આદમી પાર્ટીને ગુજરાતની કઈ બેઠકો આપી શકાય. તેથી ભરૂચ અને ભાવનગર જેવી બેઠકો આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હોય. આમ આ ઘટના કોંગ્રેસની પીછેહઠ ના કહેવાય પણ કુનેહ જરૂર કહેવાય.
પાડોશી જિલ્લાના ઉમેદવારથી ભાવનગર સંગઠનો પર અસરઃ ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર બોટાદ જિલ્લાના ઉમેશ મકવાણા પસંદ કર્યા છે. ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના સંગઠન ઉપર શું અસર થઈ શકે ? આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણને જાહેર કર્યા તે બોટાદના રહેવાસી છે. બોટાદ ભાવનગર થી છૂટો પડેલો જિલ્લો છે એટલે એ માસીયાઈ ભાઈઓ કહેવાય. જો કે બોટાદનું નેટવર્ક છે એ ભાવનગરમાં કામ કરશે નહીં, રહી વાત આપ કાર્યકરોની તો કાર્યકરો આમ આદમી પાર્ટીના ઉમેદવારને કદાચ સ્વીકારીને મદદ કરશે, પરંતુ કોંગ્રેસના કાર્યકરો તેને સ્વીકારે નહિ તેવું બનશે કારણ કે ભૂતકાળમાં પણ કૉંગ્રેસના જ ઉમેદવાર હોવા છતાં એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું નથી. ભાવનગર બેઠક ઉપર ઉમેશ મકવાણાને જ સમગ્ર જિલ્લામાં નેટવર્ક ગોઠવવું પડશે અને વ્યક્તિગત પણ વ્યવસ્થા કરવી પડે તેવું બને.
બંને પક્ષના આદર્શો અને મૂલ્યોમાં તફાવતઃ ભાવનગર લોકસભાની બેઠક ઉપર બોટાદના ઉમેદવારને લઈને રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો બંનેના આદર્શ અને મૂલ્યોમાં ઘણો તફાવત છે. આમ આદમી પાર્ટી ફિનિક્સ પક્ષીની જેમ પેદા થયેલી છે. તેના કાર્યકરોમાં એક જૂનુન અને જૂસ્સો છે. કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર આયાતી કરતા સક્ષમ વ્યક્તિને પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ ભાજપ સામે સારામાં સારી લડાઈ આપશે.