સ્થાનિકે દીપડાને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો (etv bharat gujarat) નવસારી: જિલ્લામાં આવેલા પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ચીખલી તાલુકો અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય છે. એવા દ્રશ્યો સમાંતરે કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તીની અંદર આવી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર આવેલ છે પરંતુ ખોરાક અને પાણીના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓ માનવ વિસ્તારોમાં આવી જાય છે.
નવસારીના મોલધરા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતા નજરે ચડ્યો (etv bharat gujarat) દીપડાઓનું બન્યું નવું આશ્રય સ્થાન:નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં વાસદા અને ચીખલી જેવા વિસ્તારોમાં અહીંના ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે. જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે ત્યારે બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમ જ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતા દીપડાઓ પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દિપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે.
દીપડાનો લટાર મારતો વિડીયો સામે આવ્યો: નવસારીના મોલધરા ગામથી દીપડાનો લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. મોલધરા ગામથી ઓણચી ગામ તરફ જતા રસ્તાની બાજુમાં રાત્રિના 10:00 વાગ્યાના સુમારે દિપડો લટાર મારતો દેખાયો હતો. જેને રસ્તેથી પસાર થતાં રાહદારીએ દીપડાને બેટરીના પ્રકાશમાં મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિ દરમિયાન કદાવર દીપડો લટાર મારતા મોબાઈલ કેમેરામાં કેદ થયેલ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો: કદાવર દીપડાના રહેણાંક વિસ્તારમાં અવારનવાર આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેને લઇને સ્થાનિકો આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું ગોઠવી વન વિભાગ દીપડાને પકડવાની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. મોલધરા ગામના સ્થાનિક યતીનભાઈ રાઠોડ જણાવે છે કે, રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરા વધતા ગામમાં હાલ ડરનો માહોલ છવાયો છે. જેને લઇને વહેલી તકે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
- ઉન ગામની સીમમાં પુલ ઉપર બે કદાવર દીપડાએ નજરે પડયાં - Un Village 2 Leopard
- ખેડામાં લગ્ન પ્રસંગે ખેલાયો ખૂની ખેલ,એકનું મોત ચાર ઈજાગ્રસ્ત - kheda crime phenomenon