સુરત: ઘણીવાર આવારા તત્વો ફ્લાઇટ્સને ઉડાવી દેવાની ધમકી આપતા કોલ્સ કરતા હોય છે. જેના લીધે લોકોમાં ડરનો માહોલ પૈદા થઇ જતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત એરપોર્ટમાં બની છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર શબ્બીર મન્સૂરી તેમજ તેની પત્ની નસલિન મન્સૂરીને સુરત ગ્રામ્ય LCBએ બારડોલી ખાતેથી દબોચી લીધા હતા અને આગળની તપાસ માટે સીટી પોલીસને સોંપવામાં આવ્યા હતા. હાલ સુરત શહેર પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સુરક્ષાના પગલે સુરત એરપોર્ટ પર તપાસ: એરપોર્ટ, મોટી હોટેલો, શોપિંગ મોલોને ઉડાડી દેવાના ધમકી ભર્યા મેસેજો અવાર નવાર મળતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત બારડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી. જેથી સુરત શહેર પોલીસની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત SOG, PCB, DCB, ડોગ સ્કવોર્ડ ,બોમ્બ સ્કવોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરતા કાંઇ જ શંકાસ્પદ હાથ લાગ્યું નહોતું