રાજકોટઃ લાલ કૃષ્ણ અડવાણીની ભારત રત્ન માટે પસંદગી કરવામાં આવી છે. આ સમાચારને લઈને દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવોના પ્રતિભાવો સામે આવી રહ્યા છે. પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. એલ કે અડવાણીની ભારત રત્ન માટે થયેલ પસંદગીને તેમણે આવકારી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વજુભાઈએ વધાવ્યો છે.
સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પિત કર્યુઃ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, લાલ કૃષ્ણ અડવાણી એ વ્યક્તિ છે જેમણે રાષ્ટ્રને માટે સમગ્ર જીવન ખર્ચી કાઢ્યું છે. ભારત દેશ માટે તેમજ તમામ ભારતીયો સુખી થાય તે માટેના પ્રયત્નો આખી જિંદગી લાલ કૃષ્ણ અડવાણીએ કર્યા છે. તેટલું જ નહિ પરંતુ ભારતની આન, બાન અને શાન વધે તેમજ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે તેઓ આજીવન પ્રયત્નશીલ રહ્યા છે. આમ લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના જીવનની એક એક ક્ષણ-ક્ષણ અને એક એક કણ-કણએ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આજે 96 વર્ષની વયે પણ તેઓ રાષ્ટ્ર માટે સક્રિય છે.
સોમનાથ મંદિરથી યાત્રાઃ વજુભાઈ વાળાએ સૌરાષ્ટ્રના ગૌરવને રજૂ કરતી બાબત જણાવી હતી. આજે રામ મંદિર દરેક ભારતીયના હૃદયમાં સ્થપાયું છે ત્યારે વજુભાઈએ રામ મંદિર માટે અડવાણીજીએ જે ભોગ આપ્યો તેની વાત કરી હતી. વજુભાઈએ જણાવ્યું કે રામ મંદિર માટે અડવાણીજીએ સોમનાથ મંદિરેથી યાત્રા કાઢી હતી. આ યાત્રા દરમિયાન ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાઈ હતી. જો કે આ બધી સમસ્યાઓને પાર કરીને બાબરી મસ્જિદ તૂટી હતી. રામ મંદિર માટે કોઈની જમીન આપણે દબાવી નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે જે જગ્યાએ જૂનું મંદિર હતું ત્યાં જ હાલ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણી આ દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે ત્યારે તે સમયે પણ તેઓ સામાન્ય કાર્યકર્તાની જેમ જ કામ કરતા હતા.