કચ્છઃ આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સર્કસ લુપ્ત થઈ રહ્યા છે. 5 વર્ષ બાદ ફરી એક વાર અનેક આશાઓ સાથે ભુજમાં ગોલ્ડન સર્કસ શરૂ થયું છે. જો કે સર્કસ જોવા માટે લોકોની ભીડ અગાઉની સરખામણીએ ખૂબ ઓછી જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે સર્કસ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. આજની જનરેશનને સર્કસ એટલે શું તેનો ખ્યાલ પણ નહિ હોય કારણ કે તે તો યુટ્યુબમાં કાર્ટૂન અને ગેમ્સ રમવામાં સમય વેડફે છે.
સર્કસ તો છે પણ પ્રેક્ષકો નથીઃ એક સમય હતો જ્યારે શહેરોમાં સર્કસ આવતાં તેમાં બાળકોથી લઈને મોટી વયના તમામ શહેરીજનો ઉત્સાહથી ભાગ લેતા. સર્કસનો ટેન્ટ, તેની ઉપર રંગબેરંગી વિવિધ લાઈટો, દેશ-વિદેશના કલાકારોના કરતબો, ઘોડા-હાથી-વાઘ-સિંહના ખેલ અને જોકરોની રમૂજોથી સર્કસની ટિકિટના પૂરા પૈસા વસૂલ થાય એવું આ મનોરંજન બની રહેતું હતું પરંતુ આજે શેહરોમાં સર્કસ તો આવી રહ્યા છે પરંતુ પ્રેક્ષકો નથી રહ્યા.સર્કસને લુપ્ત થતું કરવાનું કામ આજના ડિજિટલ યુગે કર્યું છે, સર્કસના અદભુત ખેલો કે જે આપણને આશ્ચર્યની અનુભૂતિ કરતા હતા તેને સ્માર્ટ ફોને ખતમ કરી નાખ્યાં છે.
સર્કસના મેનેજર નિરાશઃ ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડમાં શરૂ થયેલા ગ્રેટ ગોલ્ડન સર્કસમાં અનેક વિદેશી કલાકારો કામ કરે છે. ગ્રેટ ગોલ્ડન સર્કસમાં રશિયા, સાઉથ આફ્રિકા, ઇથોપિયા અને મંગોલિયન જેવા દેશના કલાકારો પણ છે. ભુજમાં એક માસ માટે આવેલા ગોલ્ડન સર્કસમાં મેનેજર તરીકે કામ કરતાં મહેન્દ્ર દાસે જણાવ્યું કે, તેઓ નાનપણથી જ સર્કસ સાથે જોડાયેલા છે અને 50 વર્ષથી વધુની તેમને આ સર્કસમાં કામ કરવાનો અનુભવ છે.ગ્રેટ ગોલ્ડન સર્કસ એક માત્ર ગુજરાતી સર્કસ છે જે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતના ખૂણે ખૂણે સરકસ યોજાય છે માત્ર એક વખત આ સર્કસ મુંબઈ માટે ગયું હતું. આ સર્કસમાં 150થી વધુ લોકોનો સ્ટાફ કાર્યરત છે અને સર્કસનો તંબુ ઊભો કરતા 10 દિવસનો સમય લાગે છે.
પ્રાણીઓના પ્રતિબંધ બાદ સર્કસનો ક્રેઝ ઘટ્યોઃ સર્કસ નિહાળવા વાળાઓની સંખ્યા માં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે તો અધુરામા પુરૂ સર્કસમાં પશુઓ રાખી બતાવવામાં આવતા કરતબો પર વર્ષ 2001 માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ સર્કસ પ્રત્યે નો પ્રજામાં ક્રેઝ ઓછો થવા લાગ્યો હતો. કારણ કે જંગલી પ્રાણીઓ લોકોને ઝુ અને જંગલ સિવાય ક્યાંય પણ જોવા મળતા ના હતા પરંતુ સર્કસમાં તેમને વિવિધ ખેલ કરતા જોવાની તક પ્રેક્ષકોને મળતી હતી તે હવે નથી મળી રહી.હવે દેશ વિદેશના ઉત્સાહી કલાકારો, જોકર, હવાઇ ઝુલા, નાનો મોતનો કુવો, બાઇક જંપ, ડાન્સ, સ્ટંટ વગેરે જેવા કરતબો કરતા હોય છે તે જોવા માટે કેટલાક સર્કસ રસિયાઓ તેને પસંદ કરતા હતા પરંતુ આજે તેમાં પણ ધીરેધીરે ક્રેઝ ઓછો થવા લાગતા સર્કસથી સંકળાયેલા કલાકારોનું જીવન સંઘર્ષમય બન્યું છે.
એક સમયે સર્કસ માટે લાંબી લાઈનો લાગતીઃ સર્કસમાં પ્રાણીઓના અભાવે ધીમે ધીમે લોકો સર્કસમાં આવતા ઓછા થતાં ગયા જેથી આર્થિક નુકશાની વેઠવાનો પણ સમય આવ્યો છે. અગાઉ સર્કસના તંબુમાં પ્રવેશ સમયે જ વાઘ, સિંહ, હાથી તથા વાંદરાના આવજો આવતા હોય અને જો તમે તંબુમાં અંદર નજર કરો તો લોકોની ભારે ભીડ વચ્ચે લાઈટોની ચમક વચ્ચે પ્રાણીઓ અવનવા કરતબ કરતા હતા અને કલાકારો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની કળાનું પ્રદર્શન કરતાં જોવા મળે છે. એક સમય હતો જ્યારે સર્કસ જોવા માટે લોકોની લાંબી લાઈનો લાગતી અને મોડી રાત સુધી થાક્યા વગર કલાકારો લોકોનું મનોરંજન કરતાં. પણ હવે સર્કસની કળા જાણે લુપ્ત થવા લાગી છે તેવું જણાઈ રહ્યું છે.