ગુજરાત

gujarat

ETV Bharat / state

રણોત્સવ 2024: પ્રવાસીઓનો બચશે ખર્ચ, એસટી વિભાગે રણોત્સવમાં જવા શરૂ કરી બસ સેવા - RANOTSAV 2024

કચ્છના સફેદ રણમાં રણોત્સવ શરુ થઈ ગયો છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા જાળવવા માટે GSRTC દ્વારા ભુજથી ધોરડો સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે.

GSRTC દ્વારા ભુજથી ધોરડો સુધીની બસ સેવા શરૂ
GSRTC દ્વારા ભુજથી ધોરડો સુધીની બસ સેવા શરૂ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 4:38 PM IST

કચ્છ: વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા કચ્છના સફેદ રણમાં રણ મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ટેન્ટ સિટીમાં બુકિંગ સિવાય સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા જાળવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા ખાસ ભુજથી ધોરડો સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અગાઉ પ્રવાસીઓને ચૂકવવું પડતું હતું ખાનગી વાહનનું ભાડું: કચ્છના રણોત્સવ સુધી જવા માટે ભુજથી ધોરડો સુધી કોઈ બસ સેવા ન હોવાથી, જે પ્રવાસીઓ પાસે વાહનની વ્યવસ્થા નથી, તેવા પ્રવાસીઓ રણની ચાંદની માણવાથી વંચિત રહી જતા હતા. આવી પરિસ્થિતીમાં પ્રવાસીઓએ 3500 થી 4000 રૂપિયાનું ભાડું ખર્ચી ખાનગી વાહનો મારફતે કચ્છના સફેદ રણ સુધી પહોંચવું પડતું હતું. જેને ધ્યાનમાં રાખીને કચ્છ કલેકટરની સૂચના મુજબ એસટી વિભાગ દ્વારા દૈનિક ધોરણે 3 એસટી બસની સેવા ચાલુ કરવામાં આવી છે. જેથી સફેદ રણ જવા માંગતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ બનશે.

એસટી વિભાગે રણોત્સવમાં જવા શરૂ કરી બસ સેવા (Etv Bharat Gujarat)

એસટી વિભાગે રણોત્સવ જવા માટે શરૂ કરી બસની સુવિધા:એસટી વિભાગના વિભાગીય નિયામક વાય.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ભુજના આધુનિક બસ પોર્ટથી એસટીની મીની લકઝરી બસ ઉપડશે અને ધોરડોમાં બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓને ઉતારશે. સમય અનુકૂળ હોવાથી લોકોને આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. ધોરડો ખાતે રણોત્સવ માણવા બહારગામથી બસમાં આવતા પ્રવાસીઓ તેમજ ભુજના પ્રવાસીઓ રણોત્સવનો લાભ લઇ શકે તે માટે ભુજથી ધોરડોની બસ સેવા ચાલુ કરવામાં આવી છે.

ST વિભાગે શરૂ કરી ભુજથી ધોરડો સુધીની બસ સેવા (Etv Bharat Gujarat)

રણોત્સવ સુધી દરરોજ 3 બસ જશે:જો રણોત્સવ માટે ભુજથી ધોરડો જતી બસના સમયની વાત કરવામાં આવે તો ભુજથી ધોરડો જવા દૈનિક સવારે 8.30 કલાકે, બપોરે 1:00 અને 2:30 કલાકે જ્યારે ધોરડોથી ભુજ આવવા સવારે 11:15 કલાકે અને સાંજે 6:00 અને 7:00 કલાકે બસ શરૂ કરવામાં આવી છે. આ બસો બે રૂટમાં છે. જેમાં એક બસ ભીરંડીયારા થઈને ધોરોડો જશે, જ્યારે બીજી બસ ખાવડા થઈને ધોરોડો જશે. આ બસમાં 30 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે અને જો વધારે ટ્રાફિક મળશે તો મોટી બસો પણ શરૂ કરવામાં આવશે.

ST વિભાગે શરૂ કરી ભુજથી ધોરડો સુધીની બસ સેવા (Etv Bharat Gujarat)

નવી બસનો લાભ લેવા માટે અપીલ:રણોત્સવ જતી બસના ટિકિટ ભાડાની વાત કરવામાં આવે તો ભીરંડીયારા થઈને ધોરડો જતી બસનું ટિકિટ ભાડું રૂ.102 નક્કી કરવામાં આવ્યું છે તો ખાવડા થઈને ધોરડો જતી બસનું ટિકિટ ભાડું રૂ.115 નક્કી કરવામાં આવ્યું છે. એસટી વિભાગ દ્વારા પણ રણોત્સવ જતાં પ્રવાસીઓને આ નવી બસનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. કચ્છના સફેદ રણમાં રણોત્સવનો રંગારંગ પ્રારંભ, જાણો આ વખતે શું છે ખાસ
  2. "રણોત્સવ 2024" નો પ્રારંભ, કચ્છના સફેદ રણ જવાનો પ્લાન કરી રહ્યા છો ? જાણો કેવી રીતે પહોંચશો

ABOUT THE AUTHOR

...view details