બજારમાં ક્યારે આવશે કચ્છની કેસર કરી ? કચ્છ :ઉનાળાની શરૂઆત સાથે જ કેરી રસીકો ફળોના રાજાની રાહ જોઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 11,750 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જોકે ગત વર્ષે આવેલા વાવાઝોડા તેમજ હાલમાં વરસેલા કમોસમી વરસાદના પગલે જિલ્લામાં આ વર્ષે કેરીનું ઉત્પાદન 10-15 ટકા જેટલું ઓછું થશે.
કચ્છમાં કેરીનું વાવેતર :કચ્છ જિલ્લામાં થતા કેરીના વાવેતરમાંથી દર વર્ષે એવરેજ 65,000 થી 80,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. આ વર્ષે 75,000 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહે છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ વધુ 500થી 600 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેના પરિણામે કેસર કેરીની ગુણવત્તામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટશે :બાગાયત વિભાગમાંથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે 11,750 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા લીધે કેરીના બગીચામાં આંશિક નુકસાન થયું છે. જેના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન 10-15 ટકા જેટલું ઓછું થવાની શક્યતા છે.
કેસર કેરીની માર્કેટમાં એન્ટ્રી ક્યારે ?છેલ્લા અનેક વર્ષોથી કેરીની ખેતી કરી રહેલા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે કચ્છની કેસર કેરી 15થી 20 મેની વચ્ચે બજારમાં આવશે. માટે કેસર કેરીના રસિકોને હજુ પણ રાહ જોવી પડશે, ત્યારબાદ જ લોકો તેનો આનંદ લઈ શકશે. કચ્છની કેસર કેરીની માંગ વિદેશમાં પણ રહેતી હોય છે. બદામ, હાફૂસ કેરી બજારમાં આવી ગઈ છે, પણ લોકો કેસર કેરીની રાહ જોઈ રહ્યા છે.
કમોસમી વરસાદે કર્યું મોટું નુકસાન :ગત વર્ષે જૂન મહિનામાં આવેલા વાવાઝોડાના લીધે કચ્છના અમુક વિસ્તારોમાં કેરીના બગીચામાં નુકસાની થઈ છે. ત્યારબાદ પણ કમોસમી વરસાદના કારણે કેરીના ઝાડમાં ફંગસ લાગી હતી. જેના પરીણામે કેરીના ફૂલ તેમજ પાકમાં નુકસાન થયું છે. ઝાડના મૂળિયાં હલી ગયા અને અમુક ઝાડો તો પડી પણ ગયા. જોકે ફરીથી આ ઝાડ ઊભા કરવા માટે સરકારે સહાય પણ આપી હતી. ઉપરાંત માર્ચ મહિનામાં પણ ઝાકળ પડતા કેરીઓ ખરી પડી હતી. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઓછું થશે.
કચ્છની કેસર કેરીને GI ટેગ આપવા માંગ :આ વર્ષે કચ્છની કેસર કેરીનો પ્રતિ 10 કિલો ભાવ 600 થી 1100 રૂપિયા મળે તેવી આશા છે. ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જ એવો હોય છે કે લોકો મોંઘા ભાવે પણ ખરીદતા જ હોય છે. જેવી રીતે કચ્છની ખારેકને GI ટેગ મળ્યો છે, તે રીતે કચ્છની કેસર કેરીને પણ GI ટેગ મળે તો કચ્છની કેસર કેરીના ભાવ વધે અને તેની નિકાસ પણ વધારી શકાય છે. તેમજ ખેડૂતોને પણ તેનો લાભ મળશે.
ગીર-જૂનાગઢની કેસર કેરીનું આગમન :ભુજની બજારમાં હજુ સુધી કચ્છની કેસર કેરીની એન્ટ્રી થઈ નથી. બીજી તરફ વેપારીઓ ગીર, સોમનાથ, જૂનાગઢ અને તલાલા વિસ્તારની કેસર કેરીની વેચાણ કરી રહ્યા છે. હજી કેરીની બજાર શરૂ થઈ છે, ત્યારે કેરીનો પ્રતિ 10 કિલો ભાવ 1000 થી 1200 રૂપિયા ચાલી રહ્યો છે. જેમ કેરીની આવક બજારમાં વધારે થશે તેમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
કચ્છની કેસર કેરીના ભાવ :કચ્છની કેસર કેરી મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનામાં બજારમાં જોવા મળશે. તો શરૂઆતમાં કચ્છની કેસર કરી 700થી 1000 રૂપિયા પ્રતિ 10 કિલો વેચાશે તેવો અંદાજ છે. ત્યારબાદ કચ્છની કેસર કેરીનો માલ બજારમાં વધશે, ત્યારે 500થી 600 રૂપિયે 10 કિલોની પેટી મળશે. એક વેપારીએ વધુમાં જણાવ્યું કે, કમોસમી વરસાદ જેવું હતું પરંતુ પૂરતા પ્રમાણમાં કચ્છની કેસર કેરીનો સ્વાદ રસીકો માણી શકશે.
- કમોસમી વરસાદની આગાહીથી કેરી પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતાતૂર
- શરૂઆતે 5 હજારની મણ વેચાઇ ને હવે ભાવ ગગડયાં, ભાવનગરના કેરી ખેડૂતોના નિસાસા