કચ્છ :ગાંધીધામમાં આત્મીય વિદ્યાપીઠના શિક્ષક પર તેના જ ટ્યુશન ક્લાસમાં આવતી 17 વર્ષની કિશોરીને ભગાડી જવાનો આરોપ લાગતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના મામલે અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી તથા અપહરણનો ભોગ બનનારને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે.
17 વર્ષની કિશોરી લાપતા : અંજાર પોલીસ સ્ટેશન ડિવિઝનના DySP મુકેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેઘપર બોરીચીના ઘનશ્યામનગરમાં રહેતા આરોપી નિખિલ વાસુદેવ સેવકા આત્મીય વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ખાનગી ટ્યુશન ક્લાસિસ પણ ચલાવે છે. તે ગત 2 ઓક્ટોબરે પોતાના ક્લાસમાં ભણવા આવતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.
શિક્ષક પર લાગ્યો વિદ્યાર્થિનીને ભગાડી જવાનો આરોપ (ETV Bharat Gujarat) શિક્ષક જ આરોપી ?ઉલ્લેખનીય છે કે, જે દિવસે આરોપી શિક્ષક 17 વર્ષની વિદ્યાર્થિનીને ભગાડી ગયો તે જ દિવસે તે એક દીકરીનો પિતા બન્યો હતો. તેની નવજાત બાળકીને હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવી હતી. તો સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ઘરેથી કેટલા રૂપિયા અને ઘરેણાં પણ લઈ ગયો હતો.
પોલીસ તપાસ :પોલીસે વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન CCTV ચેક કરતા સ્પષ્ટ થયું હતું કે ક્લાસથી આરોપી વિદ્યાર્થિનીને લઈને એક્ટિવા પર ભચાઉ ગયો હતો. ત્યાંથી ટ્રેનમાં બેસીને બંને ભાગી ગયા હતા. તેનો મોબાઇલ ટ્રેસ કરવાનો પ્રયત્ન કરતા તે પણ સ્વીચ ઓફ જણાઈ આવ્યું છે.
લઘુમતી સમાજ દ્વારા રજૂઆત :નોંધનીય છે કે, આરોપી જે વિદ્યાર્થિનીને ભગાડીને લઈ ગયો, તે લઘુમતી સમાજની દીકરી છે. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ પૂર્વ કચ્છ એસપીને આ મામલે રજૂઆત કરી અને પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. ત્યારે તપાસ ઝડપથી થાય અને આરોપી તેમજ અપહરણનો ભોગ બનેલ બંને લોકોને ઝડપથી શોધી કાઢવામાં આવે.
શાળાના સંચાલકો પર સવાલ :અપહરણનો ભોગ બનનાર વિદ્યાર્થિનીના માતા-પિતા દીકરીને શોધવા પ્રયત્ન કરી રહ્યાં છે. આ ઘટનામાં આત્મીય વિદ્યાપીઠને પણ જવાબદાર ઠેરવતા સમાજના આગેવાનોએ સવાલ ઉઠાવ્યો કે, ભોગ બનનાર દીકરી આ શિક્ષક પાસે છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરે છે. શાળાના સંચાલકો આવા શિક્ષકો પર કેમ નજર રાખતા નથી. કોઈ પણ વાલીઓ પોતાના સંતાનોને સારા શિક્ષણ અને સંસ્કાર માટે શાળાએ મોકલે છે, આ બનાવ અતિ ગંભીર છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઝડપથી તપાસ કરીને દીકરીને પાછી લઈ આવે તે જરૂરી છે.
- સાબરકાંઠામાં મુંબઈના વેપારી પિતા-પુત્રનું અપહરણ, 5 કરોડની ખંડણી માંગી
- ત્રણ સંતાનના પિતા પર લાગ્યો પ્રેમ સંબધમાં સગીરાનું અપહરણ કર્યાનો આરોપ