કચ્છ: કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે અને ખાસ કરીને બન્ની વિસ્તારમાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 16માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુ હરીફાઈ તથા પશુ મેળામાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બન્ની નસલની ભેંસો તેમજ કાંકરેજ ગાયોનું ખરીદ વેચાણ
ભુજ તાલુકાના સરહદી વિસ્તારના બન્ની ખાતે બે દિવસીય પશુમેળાનું ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે પશુમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળાનું આકર્ષણ ખૂબ હોય છે, જેમાં રાજ્યના જુદા જુદા વિસ્તાર તેમજ દેશમાંથી પણ લોકો પશુઓ જોવા માટે તેમજ બન્ની નસલની ભેંસો તેમજ કાંકરેજ ગાયોનું ખરીદ વેંચાણ કરવામાં આવતું હોય છે.
જુદાં જુદાં ગામના પશુઓ હરીફાઈમાં ભાગ લેવા આવ્યા
એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન બન્ની ગ્રાસ લેન્ડના હોડકો ગામ ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના 40થી પણ વધુ ગામોના માલધારીઓ પોતાની બન્ની નસ્લની ભેંસો તેમજ કાંકરેજ ગાયોને અહીં યોજાતી વિવિધ હરીફાઈમાં ભાગ લેવા માટે તેમજ ખરીદ વેંચાણ અર્થે લઈ આવ્યા હતા.
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત પશુમેળો
પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તે માટે તેમજ માલધારીઓને સરકારના લાભ મળે તેવા વિષયો સાથે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 2008થી કામ કરવામાં આવી રહ્યું છે.
બન્નીની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા
કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા મનુષ્યોની સંખ્યા કરતાં વધારે છે. બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ જે તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું. આ વિસ્તારના માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા આપવામાં આવી હતી અને ત્યારથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની કિંમત ખૂબ વધી ગઈ છે અને આજે આ ભેંસો 1 લાખથી લઈને 10 લાખની કિંમત સુધી વેંચાય છે.