કચ્છને એર કાર્ગો અને એર કનેક્ટિવિટી મળે તે માંગ વ્યાપક બની કચ્છઃ અત્યાર કચ્છ સમગ્ર વિશ્વમાં નામના કેળવી રહ્યું છે. વિવિધ ક્ષેત્રે આ જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે. આ જિલ્લાના વિકાસને વાહનવ્યવહાર ખાસ કરીને હવાઈમાર્ગે પરિવહનનો યોગ્ય સપોર્ટ મળી રહે તો સોનામાં સુગંધ ભળે. તેથી જ ગ્લોબલ કચ્છ ફેડરેશન કચ્છ જિલ્લાની એર કનેક્ટિવિટી માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.
ભુજથી મુંબઈ અને ભુજથી દિલ્હીની ફલાઈટઃ ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલ ગોરે જણાવ્યું હતું કે, ભૂકંપ અગાઉ ભુજથી મુંબઈની 3 ફ્લાઈટ હતી. 24 વર્ષ પછી પણ આપણી પાસે 1 જ ફ્લાઈટ હતી ત્યારે ગ્લોબલ કચ્છ ફેડરેશન અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને કારણે 1લી માર્ચથી ભુજ થી મુંબઈ એર ઈન્ડિયાની નવી ફ્લાઈટ મળી છે. જે શરૂઆતમાં 120 મુસાફરોની ક્ષમતાવાળી હતી પરંતુ મુસાફરો વધતા હવે 186 મુસાફરોની ક્ષમતાવાળી ફ્લાઈટ આપવામાં આવી છે. જોકે કચ્છમાંથી દિલ્હી અને મુંબઈની દરરોજની 5 ફ્લાઈટની જરુરિયાત છે.
વિદેશની એર કનેક્ટિવિટીઃ કચ્છમાં એર કનેક્ટિવિટી ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે મોટી સંખ્યામાં કચ્છના લોકો મુંબઈમાં વસે છે. તેમજ મોટી સંખ્યામાં કચ્છના લોકો એનઆરઆઈ છે. સમગ્ર વિશ્વમાંથી લોકો કચ્છમાં આવતા હોય છે. તેઓ પહેલા મુંબઈ સુધીની મુસાફરી કર્યા બાદ મુંબઈથી ભુજ સુધીની મુસાફરી કરતા હોય છે. જેથી તેમને વિદેશથી ડાયરેક્ટ ભુજ સુધીની એર કનેક્ટિવિટી મળે તેવી માંગ સતત રહેતી હોય છે.
કચ્છને એર કાર્ગો અને એર કનેક્ટિવિટી મળે તે માંગ વ્યાપક બની ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા રજૂઆતોઃ આ ઉપરાંત એર કાર્ગોની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા એવિએશન સેક્રેટરી હારીત શુક્લાને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી તો સાથે જ પ્રવાસન મિનિસ્ટરને પણ કચ્છની અંદર એર કાર્ગો શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ આજે કોમર્સ મિનિસ્ટ્રીના 20223ના આંકડા મુજબ ભારતમાં 7મા નંબરનો એવો જિલ્લો છે જ્યાંથી એક્સપોર્ટનું પ્રમાણ વધારે થાય છે. હાલમાં કચ્છમાં બાગાયતી ખેતી પણ ખૂબ વધી રહી છે. બાગાયતી ખેતી એક ઉદ્યોગની જેમ કચ્છમાં વિકસી રહી છે ત્યારે કચ્છના ખેડૂતોને પૂરતા ભાવ મળે અને કચ્છની જે કેસર કેરી, કમલમ ફ્રૂટ ખારેક અને દાડમ જેવા પાકોની વિદેશમાં પણ ખૂબ જ માંગ છે. જો કચ્છને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા મળે તો કચ્છના ખેડૂતોને મોટો ફાયદો થશે. કચ્છના ખેડૂતો પાસે કોઈ મોટા કોલ્ડ સ્ટોરેજ પણ નથી જેથી કરીને ખેડૂતોને તેમનો માલ ઉતાર્યા પછી તરત વેચી નાખવો પડે છે પણ જો એર કાર્ગો શરૂ કરવામાં આવે તો કચ્છને ખૂબ ફાયદો થઈ શકે છે.
જૂન સુધીમાં કાર્ગો શરૂ થાય તેવી શક્યતાઃ આ બાબતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે વ્યવસ્થા જરૂરી છે તે ગોઠવવા માટે એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગર દ્વારા ભુજથી દિલ્હીની ફ્લાઈટ ખાતરી આપવામાં આવી હતી. તો ભુજથી મુંબઈની 186 સીટની વિમાની સેવા દૈનિક ધોરણે પહેલી માર્ચથી શરૂ છે. આ ફ્લાઈટમાં 3 ટન કાર્ગો લઈ જવાની ક્ષમતા છે આગામી જૂન મહિના સુધીમાં આ સગવડ પૂરી કરવામાં આવશે જેથી નાનાપાયે એર કાર્ગો સેવા શરૂ થઈ શકશે અને એર કાર્ગોથી કચ્છના ખેડૂતોને અને વેપારીઓને ફાયદો થશે.
એર કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસઃ ગ્લોબલ કચ્છ ફેડેરેશન, કેનેડાના વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણીએ જણાવ્યું હતું કે, મસ્કતનો ગુજરાતી સમાજ છેલ્લા 25 વર્ષથી ખાસ કરીને આ કચ્છની એર કનેક્ટિવિટી માટે અને કચ્છના ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ટાઈમ ટુ ટાઈમ માંગણી અને રજૂઆત કરતો આવ્યો છે. કચ્છને જલ્દીમાં જલ્દી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને કચ્છની કનેક્ટિવિટી વધારે અને કચ્છની ખેતપેદાશો બીજા દિવસે ગલ્ફમાં કે વિદેશમાં મળી શકે. કચ્છને એર કનેક્ટિવિટી મળવાથી, કાર્ગો મળવાથી અહીંની ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે. જેમાં ખાસ છે મેડિકલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ.
મિનિસ્ટર, સીએમ, પીએમ સુધી રજૂઆતોઃ છેલ્લા દોઢેક વર્ષથી ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે. વિશ્વના 194 દેશોમાં કનેક્ટિવિટી માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કચ્છને સત્વરે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે અને સારામાં સારી એર કનેક્ટિવિટી મળે તેમજ એર કાર્ગો શરૂ થાય. મસ્કતથી અમદાવાદ વચ્ચે પણ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેના માટે પણ 2 વર્ષથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં વાયા અમદાવાદ વાયા ચેન્નઈ વાયા હૈદરાબાદ થઈને જવું પડતું હોય છે. જે માત્ર અમદાવાદ મસ્કત બે કલાકની અંદર જઈ શકાય છે જેથી કરીને પૈસાનો અને સમયનો વેડફાટ થતો બચાવી શકાય છે. આ બાબતને લઈને મુખ્યપ્રધાન વડાપ્રધાન તેમ જ એવીએશન મિનિસ્ટર સુધી રજૂઆત કરવામાં આવી રહી છે.
એર કાર્ગો માટે ખેડૂતોની રજૂઆતોઃ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અગ્રણી વેલજી ભૂડીયાએ પણ અનેકવાર એર કાર્ગો શરૂ કરવા માટે ભારતીય કિસાન સંઘની બેઠકો તેમજ ગુજરાત રાજ્ય સરકાર સાથેની બેઠકોમાં રજૂઆતો કરી છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતને સૌથી વધારે જરૂરિયાત યોગ્ય બજારની હોય છે. જેના માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. કચ્છની અંદર કેરી, કેળા, દાડમ, ખારેક, કમલમ, જામફળ જેવા ફળો છે જેની વિદેશમાં માંગ રહેતી હોય છે તો એક જ ઝાટકે આ તમામ ફળો વિદેશમાં પહોંચી જાય તેના માટે એર કાર્ગો જરૂરી છે. જેથી કરીને લોકોને સારામાં સારી ગુણવત્તાનો માલ એક દિવસની અંદર મળી જાય તેમજ ખેડૂતોને પણ સારું બજાર મળે. હાલમાં બજારમાં દાડમની આવક છે અને ભારતના વિવિધ વિસ્તારમાંથી લોકો દાડમની ખરીદી કરવા દૂર દૂરથી આવતા હોય છે ત્યારે તેમને અહીથી એર કાર્ગો મારફતે તેમને માલ તેમના ત્યાં જ મળી જાય તેવી સુવિધા હોવી જોઈએ જેથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો થાય. સરકાર પાસે એવી આશા છે કે એર કાર્ગો માટે સત્વરે નિર્ણય લે. કચ્છની આસપાસ જ અરબ દેશો છે જેથી કરીને ત્યાંના લોકો પણ રાહ જોવે છે કે કચ્છના કે ગુજરાતના ફળો તેમને એર કાર્ગો મારફતે મળે.
એસી રેલ કાર્ગોની ડીમાન્ડઃ એર કાર્ગો જે ખેડૂતોને પોસાય શકે તે તેનો ઉપયોગ કરી શકે છે તો બીજા અન્ય ખેડૂતોને રેલ કાર્ગો મારફતે પણ મોકલી શકે તેના માટે સરકારે એસી ટ્રેનો શરૂ કરવી જોઈએ. જેથી બારેમાસ લોકોને ફળો મળી રહે. કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે તો શાકભાજીનું પણ બજાર મળી શકે છે. જો કચ્છને એર કાર્ગો ની સાથે સાથે એસી વાળું રેલ કાર્ગો પણ મળે તેવી આશા છે.
- કચ્છ લોકસભા ચૂંટણીમાં વૃદ્ધો અને વિકલાંગો માટે ડોર ટુ ડોર વોટિંગ વ્યવસ્થા કરવામાં આવી - Lok Sabha Election 2024
- કચ્છ લોકસભા બેઠક પર મહત્તમ મતદાન માટે ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન-ટીપનું અમલીકરણ - Loksabha Election 2024