ગુજરાત

gujarat

ETV Bharat / state

આખરે કચ્છી કેસર કેરીની બજારમાં એન્ટ્રી, કમોસમી વરસાદે ઉત્પાદન ઘટ્યું, જાણો છૂટક ભાવ... - Kachchi Kesar mongo - KACHCHI KESAR MONGO

કેરી રસીકોને આખરે હવે કચ્છી કેરીનો સ્વાદ માણવા મળશે. કચ્છની પ્રખ્યાત કેસર કેરી આખરે બજારમાં આવી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનના કારણે કેરીના ઉત્પાદનને અસર થઈ છે. જાણો કેરીના બજાર ભાવ સહિતની તમામ વિગત....

કચ્છી કેસર કેરીની બજારમાં એન્ટ્રી
કચ્છી કેસર કેરીની બજારમાં એન્ટ્રી (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 6:01 PM IST

આખરે કચ્છી કેસર કેરીની બજારમાં એન્ટ્રી, જાણો છૂટક ભાવ... (ETV Bharat Reporter)

કચ્છ : કેરી રસીકોની આતુરતાનો અંત આવ્યો છે. ઉનાળો પૂર્ણ થવાના આરે છે, ત્યારે આખરે કચ્છી કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. બજારમાં કચ્છની કેસર કેરીની આવક ચાલુ થઈ ગઈ છે. તો જથ્થાબંધ બજારમાં ગુણવત્તા મુજબ 60 થી 80 રુપિયે કિલો અને છૂટક બજારમાં 100 થી 120 રૂપિયે કિલો કચ્છની કેસર કેરી વહેંચાઈ રહી છે.

કચ્છી કેસર કેરીની એન્ટ્રી :છેલ્લા 3-4 દિવસોથી કચ્છની કેસર કેરી બજારમાં આવી ચૂકી છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના લીધે કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું હતું. જેથી હાલ બજારમાં કેસર કેરીનો માલ ઓછો જોવા મળી રહ્યો છે. જોકે વેપારીઓના જણાવ્યા મુજબ હજુ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધી શકે છે. કચ્છની કેસર કેરી રસદાર અને મીઠી હોવાથી તેની માંગ વધારે પ્રમાણમાં રહેતી હોય છે.

કેરીના પાકને નુકસાન :કચ્છમાં આ વર્ષે કેરીનો પાક સારા પ્રમાણમાં ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડાના પગલે અનેક આંબાના ઝાડ ઉખડી ગયા હતા, જેથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને બરફના કરાથી કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું હતું. પાકવાની આરે આવેલા મોર ખરી પડ્યો હતો. જેથી હાલ બજારમાં કેસર કેરીનો માલ ઓછો જોવા મળી રહ્યો છે.

25-30 ટકા ઓછું ઉત્પાદન :બાગાયત નાયબ નિયામક મનદીપ પરસાનીયાએ આપેલી માહિતી અનુસાર ચાલુ વર્ષે 11750 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકામાં કેરીનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હોય છે. બાગાયત વિભાગના સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા લીધે કેરીના બગીચામાં 20-25 ટકા જેટલી આંશિક નુકસાન થયું હતું. જેથી આ વર્ષે માલ ઓછો આવ્યો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે 25 થી 30 ટકા ઉત્પાદન ઓછું થયું છે.

55-60 હજાર મેટ્રિક ટન ઉત્પાદન :દર વર્ષે કચ્છ જિલ્લામાં કેરીના વાવેતરમાંથી અંદાજે 65,000થી 70,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. આ વર્ષે નુકસાનીના પગલે અંદાજિત 55000થી 60000 મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન જોવા મળશે. કચ્છની કેસર કેરીની માંગ માર્કેટમાં પણ ખૂબ વધારે રહેતી હોય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર વિસ્તારની કેસર કેરીનો પાક પૂર્ણ થાય છે, ત્યારબાદ જૂનની શરૂઆતમાં કચ્છી કેસર કેરી બજારમાં આવે છે. કચ્છની કેસર કેરી અન્ય કેરી કરતા વધારે મીઠી હોય છે, જેની પાછળ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા જવાબદાર છે.

છૂટક બજારમાં કેરીનો ભાવ :જૂન મહિનાની શરૂઆત થતા જ કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા લોકોને કચ્છની મીઠી મધુર કેસર કેરીનો સ્વાદ માણવા મળી રહ્યો છે. કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ગુણવત્તા મુજબ ભાવ જથ્થાબંધ બજારમાં 10 કિલોના 600-800 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં 1000થી 1200 રૂપિયા જોવા મળી રહ્યા છે.

કેરી રસિકોની આતુરતાનો અંત :કેસર કેરીના વેપારી રમેશ દાવડાએ જણાવ્યું હતું કે, જૂન મહિનો આવતા જ કચ્છની કેસર કેરીની રાહ જોતા લોકોને હવે કેરીનો સ્વાદ માણવા મળશે. હાલમાં કચ્છની કેસર કેરીની ગુણવત્તા ખૂબ સારી આવી રહી છે. કમોસમી વરસાદના કારણે માલની આવક પર અસર થઈ છે. બજારમાં કેસર કેરીનો ઓછો માલ છે અને તેના હિસાબે જ આ વખતે ગુણવતા મુજબ 5 કિલોના બોક્સમાં ભાવ 300થી 500 જેટલા ભાવ છે. કચ્છની કેસર કેરીની માંગ તો દર વખત જેટલી જ છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રમાં પણ મોકલવામાં આવી રહી છે.

રાજ્ય બહાર પણ માંગ :છૂટક ફ્રૂટના વેપારી મયુર ગોરે જણાવ્યું હતું કે, હાલમાં વાતાવરણના હિસાબે કેરીનો માલ ઓછો છે અને મોડો પણ છે. 5 કિલોની પેટીની પેકિંગ 400 રૂપિયાથી લઈને 600 રૂપિયાના ભાવે વહેંચવામાં આવી રહી છે .માંગણી વાત કરવામાં આવે તો 12 માસ પછી કેરી આવતી હોય છે, માટે માંગ તો રહે જ છે. કચ્છની કેસર કેરી રસદાર અને મીઠી હોય છે. કચ્છી કેસર કેરીના પ્રેમીઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ કચ્છની કેસર કેરીનો મંગાવતા હોય છે.

  1. શા માટે વણિકો આદ્રા નક્ષત્રમાં કેરી નથી ખાતા? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય - Adra Nakshatra
  2. કેસર કેરીનો સ્વાદ આ વર્ષે બન્યો મોંઘો, માત્ર 20થી 25 ટકા ઉત્પાદન, શું કહે છે કેરી રસીકો અને વેપારીઓ જાણો..

ABOUT THE AUTHOR

...view details