જૂનાગઢ :કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારને રેશનકાર્ડની દુકાનેથી વિનામૂલ્યે ઘઉં અને ચોખા સહિત અનાજનો જથ્થો પ્રતિમાસ પૂરો પાડવામાં આવે છે. આ અનાજ ઘરે ઘરે ફરીને ફેરીયાઓ દ્વારા જે તે ગ્રાહકો પાસેથી વેચાતું લઈને તેને ગોડાઉનમાં સંગ્રહ કરીને અન્ય જગ્યાએ વેચવા માટે ઉપયોગ કરવાની ફરિયાદો જિલ્લા કલેકટર અને પુરવઠા વિભાગને મળી હતી.
સંગ્રહખોર વ્યાપારી ઝડપાયો :જે અંતર્ગત ગઈકાલે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાની સૂચનાથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને જિલ્લા પુરવઠા અધિકારી એફ. એસ. માકડા દ્વારા બીલખા નજીક તપાસ કરવામાં આવી હતી. અહીંથી તપાસ ટીમે વેચાતું અને સંગ્રહિત કરવામાં આવેલ સરકારી અનાજ ઝડપી પાડ્યું હતું. આવા અનાજનો કબજો ધરાવનાર ગોડાઉન માલિક ઇમ્તિયાઝ ચોટલીયાની પુરવઠા વિભાગે ગેરકાયદેસર સંગ્રહખોરી કરવાના કેસમાં અટકાયત કરી છે.
લાખોનું ગેરકાયેદસર અનાજ :પુરવઠા વિભાગની કામગીરી દરમિયાન બીલખા ગોડાઉનમાંથી બજાર કિંમત રુ. 1,98,450 ના 7,350 કિલો ઘઉં, બજાર કિંમત રુ. 68,250 ના 1750 કિલો ચોખા તથા બજાર કિંમત રુ. 6,59,100 ના 16,900 કિલો ઘઉં અને ચોખાનું મિક્સચર સહિત કુલ રૂપિયા 9.25 લાખનું અનાજ મળી આવ્યું હતું. અનાજ અને ટ્રક સાથે કુલ 12.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને જિલ્લા પુરવઠા વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ પુરવઠા વિભાગની તવાઈ :સરકારી અનાજનો સંગ્રહ કરી તેને અન્યત્ર જગ્યાએ વહેંચવાના કારસ્તાનનો પુરવઠા વિભાગે ખુલાસો કર્યો છે. બીલખા નજીકથી ગોડાઉન માલિક ઇમ્તિયાઝ ચોટલીયાની જૂનાગઢ પુરવઠા વિભાગે અટકાયત કરીને કુલ 12,25,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અગાઉ પણ જિલ્લા પુરવઠા વિભાગે પાદરીયા નજીકથી બે ગોડાઉન સીઝ કર્યા હતા. જેમાંથી પણ કુ. 5.37 લાખ કરતાં વધારેના સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો
રેશનકાર્ડ ધારકોને ચેતવણી :જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, કેટલાક ગ્રાહકો રેશનકાર્ડની દુકાનથી વિનામૂલ્યે મળતું સરકારી અનાજ મેળવીને આવા લોકોને વહેંચી રોકડી કરવાનો ધંધો કરે છે. આવા તમામ કાર્ડધારકોને સરકારી અનાજની જરૂરિયાત નથી, તેવું સમજીને તેમને મળતો અનાજનો જથ્થો સ્થગિત કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર આગામી દિવસોમાં ખૂબ જ આકરી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિ આવું કામ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
- રાજકોટ જિલ્લાના સસ્તા અનાજ દુકાનધારકો ફરી હડતાલ પર ઉતર્યા, શું સમસ્યા આવી જાણો...
- વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ