પોરબંદર : માધવપુરમાં ચોપાટી ખાતે જૂનાગઢના ખામધ્રોલથી માતા-પુત્રી ફરવા આવ્યા હતા. તે દરમિયાન કાળરૂપી મોજું આવતા બંને દરિયામાં તણાઈ ગયા હતા. થોડા સમય બાદ માતાનો મૃતદેહ દરિયાકિનારે આવ્યો હતો. પોલીસ પુત્રીની શોધખોળ કરી રહી હતી. ત્યારે 24 કલાક બાદ હવે પુત્રી હેતવીનો મૃતદેહ મળ્યો હતો. માતા-પુત્રીનું મોત થતા પરીવારમાં શોક માહોલ છવાયો છે.
માતા-પુત્રી દરિયામાં તણાયા :પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ ચોપાટીમાં ગત 8 જુલાઈના રોજ જૂનાગઢ નજીકના ખામધ્રોળ ગામના માતા અને પુત્રી દરિયો જોવા આવ્યા હતા. ત્યારે ચોપાટી પર કોઈ કારણોસર વધુ મોજા ઉછળતા મોજાની લપેટમાં આવી અને માતા-પુત્રી તણાઈ ગયા હતા. થોડા સમય બાદ આસપાસના લોકો અને માછીમારોને માતાનો મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરી હતી.
પુત્રીનો મૃતદેહ મળ્યો :તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અહીંથી 31 વર્ષીય સુનીતાબેન દિનેશભાઈ માવદીયાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે પુત્રીની શોધખોળ ચાલુ હતી. હવે 24 કલાક બાદ પુત્રી હેતવીનો મૃતદેહ મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અષાઢી બીજના દિવસે માતા-પુત્રી માધવપુર નજીક વિરોલ ગામે તેના પિયર આવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેર જનતા જોગ અપીલ :તંત્ર દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવે છે. ચોમાસાનું વાતાવરણ હોય ત્યારે દરિયામાં કરંટ પણ હોય છે, આથી દરિયા પાસે ન જવું હિતાવહ હોય છે. છતાં પણ ઘણા લોકો જિંદગીની ફિકર કર્યા વગર દરિયા નજીક જતા હોય છે. ત્યારે આવી દુર્ઘટના બનતા મૃતકના પરિવારમાં કલ્પાંત સર્જાયું હતું.
- માધવપુર ચોપાટી પર ફરવા આવેલ માતા-પુત્રી દરિયાની લહેરોમાં તણાઈ, માતાનો મૃતદેહ મળ્યો
- લોનાવાલામાં મોટી કરૂણાંતિકા, ફરવા આવેલા એકજ પરિવારના 5 લોકો તણાયા, 3ના મોત 2 ગૂમ