જૂનાગઢ:પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ભારતીય માછીમારનું મોત નીપજ્યું છે. માછીમારનો મૃતદેહ આજે વહેલી સવારે ઉના તાલુકાના સોખડા ગામે આવી પહોંચતા સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. મૃતક માછીમારની અંતિમવિધિમાં સમગ્ર સોખડા ગામ જોડાયું હતું. અગાઉ પણ કોડીનાર અને ઉના તાલુકાના માછીમારના મોત પાકિસ્તાનની જેલમાં થયા હતા. જેને લઈને માછીમાર પરિવારમાં પણ ભારે શોકનો માહોલ ફરી વળ્યો હતો.
માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત: ઉના તાલુકાના સોખડા ગામના ભારતીય માછીમાર બાબુ ચુડાસમાનું પાકિસ્તાનની જેલમાં બીમારીથી મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે મૃતદેહ સોખડા ગામમાં આવી પહોંચતા સમગ્ર ગામ મૃતકની અંતિમયાત્રામાં જોડાયું હતું. નાના એવા સોખડા ગામમાં માછીમારનો મૃતદેહ આવતા જ સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું.
વહેલી સવારે ઉનાના સોખડા ગામમાં કર્યા અંતિમ સંસ્કાર (Etv Bharat Gujarat) તમને જણાવી દઈએ કે, ઉના તાલુકાના બાબુભાઈ ચુડાસમા 18 ફેબ્રુઆરી 2022ના રોજ માછીમારી કરી રહ્યા હતા. આ સમયે આંતરરાષ્ટ્રીય સીમા પરથી પાકિસ્તાન એજન્સી દ્વારા બાબુભાઈ ચુડાસમાનું અપહરણ કરીને તેને પાકિસ્તાનની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષ બાદ બીમારી ઝુઝતા બાબુભાઈ ચુડાસમાનું મોત થયું હતું.
પાકિસ્તાનની જેલ ભારતીય માટે મોત સમાન:સમુદ્ર શ્રમિક સંઘના અધ્યક્ષ બાલુભાઈ સોચાએ માછીમારના મોતને લઈને માધ્યમોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'માંગરોળની અલબસીર માછીમારી બોટમાં સોખડા ગામના માછીમાર બાબુભાઈ ચુડાસમા માછીમારી કરવા માટે નીકળ્યા હતા, જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 11 એમ.એમ. 3662 હોવાનું જાણવા મળે છે. વર્ષ 2022 માં પાકિસ્તાને તેમને પકડીને જેલમાં મોકલ્યા હતા. બાબુભાઈ ચુડાસમાનું મોત 24 જાન્યુઆરી 2025 ના દિવસે બીમારીથી જેલમાં થયું હતું. જેનો આજે વહેલી સવારે મૃતદેહ ગામે લાવવામાં આવ્યો હતો.
માછીમારોના મોત ચિંતાનો વિષય:પાકિસ્તાન સત્તાવાળાઓએ માછીમારના મૃતદેહને વાઘા બોર્ડરે ભારતના અધિકારીઓને સુપ્રત કર્યો હતો. ત્યાંથી હવાઈ માર્ગે મૃતદેહ અમદાવાદ અને ત્યાંથી રોડ માર્ગે ઉનાના સોખડા ગામે લાવવામાં આવ્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે સરક્રિક જળસીમાના વિભાગને કારણે ભારતીય માછીમારોનું અપહરણ પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. જેલમાં આરોગ્યની સુવિધાઓ પણ પૂરતી ન મળતી હોવાને કારણે જેલમાં બંધ ભારતીય માછીમારોના મોત પણ થઈ રહ્યા છે જે ખૂબ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો:
- સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, પોલીસે પિતા અને 2 પુત્રોની ધરપકડ કરી
- મહેસાણામાં ઉત્તર ગુજરાત વીજ કચેરીના સબ સ્ટેશનમાં આગ, ફાયર વિભાગે આગ બુઝાવી