જૂનાગઢ :ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી કારતક સુદ અગિયારસથી પૂનમના દિવસ સુધી લીલી પરિક્રમાનું આયોજન થતું આવે છે. સતયુગથી ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોની સાથે તેમના કેટલાક સખા દ્વારા પ્રથમ વખત ગિરનારની આ પરિક્રમા કરવામાં આવી હતી, ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ અવિરત જોવા મળે છે.
ગિરનારની લીલી પરિક્રમા :36 કિલોમીટર લાંબા જંગલ માર્ગ પર પદયાત્રીઓ દ્વારા ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે, જે કારતક સુદ અગિયારસથી શરૂ થઈ અને કારતક સુદ પૂનમના દિવસે ભવનાથ તળેટીમાં વિરામ પામે છે. લાખોની સંખ્યામાં પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા માટે 250 કરતા પણ વધુ અન્નક્ષેત્રો 24 કલાક ધમધમતા જોવા મળે છે.
લીલી પરિક્રમાની શરૂઆત :સનાતન ધર્મની પરંપરા ગિરનારની લીલી પરિક્રમા સાથે જોડાયેલી છે. આજથી સૈકાઓ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ તેમના કેટલાક સખાઓ સાથે મળીને પ્રથમ વખત પરિક્રમાની શરૂઆત કરી હતી, જે આજે આધુનિક યુગમાં પણ ચાલી રહી છે. સતયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પ્રથમ વખત કારતક સુદ અગિયારસના દિવસે પરિક્રમા શરૂ કરીને કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ કરી હતી.
36 કિલોમીટરની પદયાત્રા :આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમાના 36 કિલોમીટરના માર્ગ પર પદયાત્રા કરીને ભગવાન શ્રીકૃષ્ણના પગલે ચાલવાની પરંપરાને જાળવીને આગળ વધારવાનું શ્રેય અને પુણ્ય પણ મેળવી રહ્યા છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ 11 તોપોની સલામી સાથે વર્ષો પૂર્વે આ પરિક્રમા શરૂ થતી હતી. કાળક્રમે તોપોની સલામીની જગ્યાએ આજે રાઈફલ ફોડીને પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે.
33 કોટી દેવતાઓની તપસ્થળી :ગિરનાર ક્ષેત્રને નવનાથ 64 જોગણી માં જગદંબા અને 33 કોટી દેવતાઓના તપસ્થળીના ઐતિહાસિક ધાર્મિક સ્થળ તરીકે જોવામાં આવે છે. ગિરનાર પર્વત દેવી-દેવતાઓની સાથે પ્રાકૃતિક મહત્વ પણ ધરાવે છે. ગિરનાર તળેટીમાં ગુરુ દત્તાત્રેય દ્વારા તપસ્ચર્યા કરવામાં આવી હતી, ગુરુદત્ત ભગવાનને વિષ્ણુના અવતાર તરીકે પૂજવામાં આવે છે. પરિક્રમા દરમિયાન ગિરનાર ક્ષેત્રમાં 33 કોટી દેવી-દેવતાઓની સાથે નવનાથ 64 જોગણી અને માં જગદંબાની સ્વયંમ હાજરીની અનુભૂતિ થાય છે.
ચાર પડાવ અને ચાર યુગનું પ્રતિનિધિત્વ :ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના ચાર પડાવને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગના પ્રતિનિધિત્વ સાથે જોડીને જોવામાં આવે છે. પરિક્રમા દરમિયાન ભક્તો ચાર પડાવ નાખીને ચાર યુગનો અહેસાસ કરે છે. જેમાં ઇટવા જીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવીની સાથે અંતિમ પડાવ તરીકે ભવનાથને માનવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે કોઈપણ પદયાત્રી પરિક્રમા પૂર્ણ કરે તો તેમને 33 કોટી દેવી-દેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તેવી માન્યતા છે.
પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો :લીલી પરિક્રમા શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આજે 10 થી 15 લાખ લોકો પરિક્રમા પૂર્ણ કરે છે. પરિક્રમા દરમિયાન અનાજ અને શાકભાજીમાંથી કુદરતના ખોળે ભોજન પ્રસાદ બનાવીને આરોગવાની વિશેષ પરંપરા છે, જે જૂની પેઢીના પરિક્રમાથીઓમાં અકબંધ જોવા મળે છે. પાછલા કેટલાક વર્ષોથી મરાઠી પરિવારો પણ પરિક્રમાના પાંચ દિવસ સુધી ભવનાથની તળેટીમાં જોવા મળે છે.
અનક્ષેત્ર અને ઉતારા મંડળની સેવા :લીલી પરિક્રમામાં પરિક્રમાર્થીઓની સંખ્યાના વધારાને ઉતારા મંડળ અને અન્નક્ષેત્રને આભારી માનવામાં આવે છે. હાલમાં પરિક્રમાના દિવસો દરમિયાન 250 કરતા વધારે અન્નક્ષેત્રો પરિક્રમા રૂટ અને ભવનાથ તળેટીમાં 24 કલાક ધમધમે છે. પ્રત્યેક વ્યક્તિને ગરમા ગરમ ભોજન પ્રસાદ અને ચા-કોફી અને નાસ્તો કોઈ પણ સમયે મળી રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે. સરકાર દ્વારા પરિક્રમાર્થીઓને તબીબી સવલતો મળી રહે તે માટે મેડિકલ કેમ્પ અને લોકોની સુરક્ષા માટે સમગ્ર પરિક્રમા માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે.
- પરિક્રમાર્થીઓએ સતયુગમાં ચાલતી પરિક્રમાની પ્રતીતિ કરાવી
- ગિરનારની લીલી પરિક્રમાના 4 પડાવોનું શું છે ધાર્મિક મહત્વ