જૂનાગઢ :હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા કલેકટર અને પોલીસ વડા દ્વારા વરસાદના રેડ એલર્ટના પગલે અતિભારે વરસાદની સ્થિતિમાં લોકોએ આગામી બે દિવસ સુધી તમામ પ્રકારના પ્રવાસ ટાળવાની સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અપીલ (ETV Bharat Gujarat) જૂનાગઢમાં રેડ એલર્ટ :હવામાન વિભાગના રેડ એલર્ટ અનુસાર જૂનાગઢ જિલ્લાના કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. આવી પરિસ્થિતિમાં લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, લોકોને તકેદારી રાખવા તથા બિનજરૂરી પ્રવાસ ન કરવા અને કોઈપણ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં પોલીસ કે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા લોકોને વિનંતી કરી છે.
ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલરુમ :કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો નજીકના પોલીસ મથક અથવા તો જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલી કોઈપણ કચેરીનો સંપર્ક કરીને કોઈ પણ વ્યક્તિ આ મુશ્કેલી ભર્યા સમયમાંથી પોતાનો માર્ગ કાઢી શકે તે માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ મથકો અને સરકારી કચેરીઓમાં યુદ્ધના ધોરણે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
પર્યટન સ્થળો પર પ્રવેશ નિષેધ :અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વિસ્તારમાં પર્યટન સ્થળો પર કોઈપણ લોકોને પ્રવેશ નહીં કરવા દેવાની સૂચના પણ પોલીસ અને વહીવટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તે મુજબ ગિરનાર પર્વત, દામોદર કુંડ, જટાશંકર મહાદેવ સહિત ભવનાથની અનેક જગ્યાઓ, કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણી એકઠું થાય છે, આવી તમામ જગ્યાએ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અપીલ (ETV Bharat Gujarat) જનતા જોગ સૂચન :અકસ્માતની કોઈપણ સંભવિત ઘટનાને નિવારી શકાય તે માટે પણ પૂરતી તૈયારી છે. જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે, ત્યારે સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં પણ પૂર આવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં લોકોએ ખાસ કરીને ગામડાના માર્ગો પરથી પસાર થવાનું ટાળવું જોઈએ. એવા વિસ્તારમાંથી કે જ્યાં નદી પસાર થઈ રહી છે, આવા વિસ્તારથી પોતે દૂર રહેવું અને અન્ય લોકોને પણ ત્યાંથી દૂર રાખવા જેવી સુચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
શૈક્ષણિક કાર્ય બંધ :હવામાન વિભાગના અતિભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાને રાખીને જૂનાગઢ શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીથી લઈને પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના તમામ શૈક્ષણિક કાર્ય આજના દિવસે બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ પસાર કરીને શાળાએ જતા બાળકો જોવા મળતા હોય છે. ત્યારે અતિભારે વરસાદને પગલે બાળકો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ન મુકાય તે માટે આજના દિવસે જિલ્લાના તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
- નવસારી જિલ્લામાં મેઘપ્રકોપ, ગણદેવીના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
- આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી