જામનગર :જિલ્લાના પડાણા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ બંને મૃતક મિત્ર હતા. પડાણાથી જામનગર આવતી વખતે કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન રિક્ષામાં સવાર બંને યુવાન મિત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
બે યુવકોનું ઘટનાસ્થળે મોત :જામનગર ખભાડીયા રોડ પર અચાનક જ કાર બેકાબૂ થતાં કારે રિક્ષાને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે પણ બેલેન્સ ગુમાવતા ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં કારની ટક્કરથી રિક્ષામાં સવાર બે મિત્રોના મોત થયા હતા. આ બે યુવાનો બાંધકામનો સામાન મુકીને જામનગર પરત આવતા હતા, તે સમયે બંને યુવાનોને અકસ્માત નડ્યો.