ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ: "RCS-UDAN હેઠળ ગુજરાતમાં 7.93 લાખથી વધુ લોકોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો" - INTERNATIONAL CIVIL AVIATION DAY

રિવરફ્રન્ટ પર વૉટર એરોડ્રોમ સેવા ફરી શરૂ કરવાની તૈયારી... RCS-UDAN

અમદાવાદ એરપોર્ટ- ફાઈલ ફોટો
અમદાવાદ એરપોર્ટ- ફાઈલ ફોટો (ETV BHARAT)

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 6:46 PM IST

ગાંધીનગર: ‘ઉડે દેશ કા આમ નાગરિક’ એટલે કે UDAN યોજનાના અમલીકરણમાં ગુજરાતે નોંધનીય પ્રદર્શન કર્યું હોવાના દાવા ગુજરાત સરકારે કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યમાં 6 પ્રાદેશિક એરપોર્ટ- પોરબંદર, કંડલા, કેશોદ, જામનગર સિવિલ એન્ક્લેવ, ભાવનગર અને મુંદ્રા ખાતે સફળતાપૂર્વક કામગીરી શરુ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના માહિતી વિભાગના જણાવ્યા પ્રમાણે, ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં સામાન્ય નાગરિકો સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે અને શહેરો વચ્ચે સુવ્યવસ્થિત કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશથી રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN શરુ કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે.

પ્રાદેશિક એરપોર્ટ પરથી 7.93 લાખથી વધુ મુસાફરોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો

વિભાગે જણાવ્યા પ્રમાણે, RCS-UDAN પહેલના કારણે ગુજરાતમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. GUJSIAL ડેટા અનુસાર, અત્યાર સુધીમાં (2017 થી નવેમ્બર 2024) 7.93 લાખથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. આ હવાઈ માર્ગોમાં મુંબઈ-કંડલા, અમદાવાદ-મુન્દ્રા, અમદાવાદ-દીવ અને સુરત-દીવ જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. તાજેતરમાં આ નેટવર્કમાં અમદાવાદ-કેશોદ, અમદાવાદ-જલગાંવ અને અમદાવાદ-નાંદેડ જેવા રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે, જેથી ગુજરાતની રિજનલ એર કનેક્ટિવિટી વધુ સારી બની છે.

ગુજરાતમાં RCS-UDAN યોજનાના અમલીકરણ અંગે માહિતી આપતાં ડૉ. ધવલ પટેલ, IAS, કમિશનર, નાગરિક ઉડ્ડયન (ગુજરાત સરકાર)એ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ RCS-UDAN પહેલ હેઠળ ગુજરાતમાં ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એરસ્પેસ કનેક્ટિવિટી સુધારવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાદેશિક એરપોર્ટને વિવિધ સુવિધાઓ અને પ્રોત્સાહનોની સાથે MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) અને ફ્લાઈંગ ટ્રેનિંગ ક્ષેત્રોની વધતી માંગને પૂરી કરવા માટે પણ સતત પ્રયત્નશીલ છે.”

ગુજરાત સરકારે VGF, ફાયર અને સુરક્ષા સેવાઓ માટે ₹184 કરોડનો ખર્ચ કર્યો

વિભાગે એવું પણ જણાવ્યું કે, ગુજરાત સરકારે RCS-UDAN હેઠળ બનેલા 6 પ્રાદેશિક એરપોર્ટ પર 2017થી નવેમ્બર 2024 સુધીમાં 20% વાયેબિલિટી ગૅપ ફંડિંગ (VGF) અને ફાયર અને સુરક્ષા સેવાઓ માટે આશરે ₹184 કરોડનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે, પ્રાદેશિક એરપોર્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આ ઉપરાંત, VGF એટલે કે વાયેબિલિટી ગૅપ ફંડ અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય આકર્ષક આર્થિક પ્રોત્સાહનો રાજ્યમાં પ્રાદેશિક હવાઈ મુસાફરીના સંચાલનમાં મોટા પાયે મદદ કરે છે.

ક્ષેત્રીય હવાઈ યાત્રા હેઠળ સંચાલિત હવાઈ માર્ગો માટે રાજ્ય સરકારની VGF પહેલ હેઠળ વિશેષ આર્થિક છૂટ આપવામાં આવે છે, જેના કારણે નાની એરલાઇન્સ આ માર્ગો પર હવાઈ યાત્રા શરૂ કરવા માટે પ્રેરિત થઈ રહી છે. હાલમાં, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-અમરેલી સહિત 5 માર્ગો પર ઉડી રહેલી ફ્લાઇટ્સ માટે રાજ્ય સરકાર તરફથી VGF એટલે કે, વાયાબિલિટી ગેપ ફંડની સુવિધા આપવામાં આવી રહી છે. VGFના કારણે આ માર્ગો પર અત્યાર સુધીમાં 1.60 લાખથી વધુ મુસાફરોએ પોસાય તેવા દરોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉટર એરોડ્રોમથી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાની તૈયારી

વિભાગે આપેલી જાણકારી મુજબ, RCS-UDAN યોજના હેઠળ, ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ તેના મહત્વાકાંક્ષી વૉટર એરોડ્રોમ પ્રોજેક્ટ્સ પર એર કનેક્ટિવિટી સેવાઓ પુનઃશરૂ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત, RCS અને રાજ્ય VGF બંને હેઠળ વધારાના રૂટ શરૂ કરવાની યોજના પણ પ્રગતિમાં છે, જે અંતર્ગત વડોદરા, રાજકોટ, અંબાજી અને પાલિતાણા જેવા શહેરોને જોડવામાં આવશે. RCS-UDAN યોજના હેઠળ ચાલી રહેલા આ પ્રયાસો આવનારા સમયમાં ગુજરાતની સમગ્ર ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં વધુ સુધારો કરશે અને આ પ્રોજેક્ટ્સ રાજ્યના પ્રવાસન અને આર્થિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.

  1. પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિ, અમરેલીના આંબા ગામના ખેડૂતને ફળી શાકભાજીની ખેતી
  2. ભાવનગરમાં એક વર્ષથી કોલેજમાં ચાલતી આયુર્વેદ હોસ્પિટલ: પ્લાનિંગ કાગળ પર, હાલત છે આવી

ABOUT THE AUTHOR

...view details