ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આપી ભાજપને સલાહ (Etv Bharat Gujarat) ગાંધીનગરઃ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ડાયરેક્ટરની ચૂંટણી હાઈપ્રોફાઈલ તો બની જ સાથે સાથે એક પોલિટિકલ ડ્રામા બની ગઈ હતી. આ પોલિટિકલ ડ્રામા સમાન ચૂંટણીમાં ભાજપમાં રહેલો વિખવાદ સપાટી પર આવી ગયો છે. ઈફ્કોના ડિરેક્ટર પદ માટે રાજકીય કાવાદાવાઓની સાથે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનું પણ રાજકારણ કર્યાનું બહાર આવ્યું છે. ભાજપના મેન્ડેન્ટનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહીની માંગ કરાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ખોડલધામના નિવેદન અંગે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા (Etv Bharat Guj) દિલીપ સંઘાણીના વાકપ્રહારઃ ઈફકોના ચેરમેન તરીકે બિનહરિફ ચૂંટાયેલ દિલીપ સંઘાણીએ આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રકરણમાં ભાજપમાં સંકલનનો અભાવ છે. અમને જાણ કર્યા વગર પાટીલે બીપીન ગોતાને બારોબાર મેન્ડેટ આપી દીધો હતો. બીપીન ગોતાને મેન્ડેટ આપતા પહેલા મુખ્ય લોકો સાથે બેસીને ચર્ચા કરીને નિર્ણયો લેવો જોઈએ. ભૂતકાળમાં સહકારી સંસ્થાના ઉમેદવારો અંગે સામૂહિક રીતે ચર્ચા કરીને નિર્ણયો લેવાતા હતા. જયેશ રાદડિયા, બીપીન ગોતા, પંકજભાઈ અને મતદારો સાથે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શકાય હોત. ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત.
મેન્ડેટ પહેલા ચર્ચા જરુરીઃ સમગ્ર પ્રકરણમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, હું પાર્ટીમાં જનસંઘથી કાર્યરત છું. વિદ્યાર્થી પરિષદમાં પણ મેં વર્ષો સુધી જવાબદારી નિભાવી છે. કટોકટીના સમયે હું જેલમાં પણ ગયો છું. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રદેશ યુવા મોરચાનો ઉપ પ્રમુખ બન્યો હતો. 1982માં મકરંદ દેસાઈના નેતૃત્વમાં ભાજપમાં પ્રદેશ મંત્રી રહ્યો છું. ત્યારબાદ સરકાર અને સંગઠનમાં લાંબો સમય સુધી કામ કર્યું છે. પાર્ટીમાં સ્થાનિક નિર્ણયો જ્યારે લેવાના થતા ત્યારે મુખ્ય લોકો સાથે બેસીને ચર્ચા કરીને નિર્ણયો લેવાતા હતા. ઉમેદવારો અંગે સામુહિક રીતે ચર્ચા કરીને નિર્ણયો લેવાતા હતા.
સંકલનનો અભાવઃ દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, ગત 24 તારીખે ઈફકોનું બોર્ડ હતું. જયેશભાઈ અને હું બંને બોર્ડમાં છીએ. બોર્ડ પૂર્ણ થાય તે જ દિવસે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું કે 24 તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થતી અને 30 તારીખ છેલ્લી હતી. તેથી મેં અને જયેશભાઈએ 24 તારીખે પહેલી કલાકમાં ફોર્મ ભરી દીધા હતા. ત્યારે આવી કોઈ વાત ન હતી. ત્યારબાદ અમે દિલ્હીથી અહીં પરત આવ્યા હતા. મને મીડિયાના માધ્યમથી જાણ થાય કે જયેશભાઈ બળવો કર્યો છે. 21 સભ્યોના બોર્ડમાં એક જ સભ્યને વીપ આપવામાં આવ્યો હતો. એટલે આ સમગ્ર પ્રકરણ વિખવાદ નહીં પરંતુ સંકલનનો અભાવ હું ગણું છું.
ખોડલધામ અલગ સંસ્થાઃ લેઉવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામના ટ્રસ્ટીઓએ બીપીન ગોતાને જીતાવવા માટે કોલ કર્યા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો હતો. ખોડલધામ ટ્રસ્ટીના પ્રયાસ છતાં જયેશ રાદડિયા જીતવામાં સફળ રહ્યા છે. ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં રાદડિયાને હરાવવા માટે પાટીદારોની સમગ્ર રાજ્યની પ્રમુખ અગ્રીમ સંસ્થા ખોડલધામના અમદાવાદમાં રહેલા એક ટ્રસ્ટીએ ભરપૂર પ્રયાસો કર્યાના સમાચારથી સૌરાષ્ટ્રમાં ભાજપના પાટીદાર નેતાઓમાં ઘમાસાણ સર્જાયું છે. ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ખોડલધામના નિવેદનથી ભાજપને કોઈ અસર નહીં થાય કારણ કે, ખોડલધામએ અલગ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ ક્યારે શું કરશે તે નિર્ણય વ્યક્તિગત હોય છે.
- ઈફ્કોના ડાયરેક્ટર પદ પર જયેશ રાદડિયા વિજયી ભવઃ થયા બાદ, કોણ પડ્યું તેમની સામે? - IFFCO Director Jayesh Radadiya
- જયેશ રાદડિયાએ ભાજપ સામે બળવો કર્યો હોવાની વાત ઈરાદાપૂર્વક પાર્ટીને બદનામ કરવા ફેલાવવામાં આવી - Dilip Sanghani Reaction