સુરત : પલસાણા તાલુકાના સેઢાવ ગામે ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ કડોદરા પોલીસમાં હોમગાર્ડ તરીકે સેવા આપતા યુવકને ચપ્પુના ઘા મારી રહેંસી નાખતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
અજાણ્યા લોકોએ હુમલો કર્યો : સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના સેઢાવ ગામે નવા હળપતિ વાસમાં રહેતા કિશન મહેશભાઈ રાઠોડ (ઉ.વર્ષ 28) કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે સેવા આપવાની સાથે સાંજે ગામમાં જ ઈંડાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શનિવારે મોડી સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ તે તેની લારી પર ઈંડા બનાવી રહ્યો હતો, તે સમયે ત્રણેક જેટલી મોટરસાઇકલ પર ચારથી પાંચ ઈસમો તેની લારી પર ધસી આવ્યા હતા અને કિશન ને માર મારવા લાગ્યા હતા.
લોકોને જોઇને હુમલાખોરો નાસી છૂટ્યા : આમલેટ ખાવા આવેલા ફળિયાનો જ વિજય નામનો યુવક બચાવવા માટે વચ્ચે પડતા તેના પર પણ ચપ્પુથી હુમલાનો પ્રયાસ કરતા વિજય ફળીયા તરફ જતો રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા ઈસમોએ કિશન પર ચપ્પુ વડે ઉપરા ઉપરી વાર કરતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. બીજી તરફ વિજય ફળીયા ના રહીશો ને બોલાવી લાવી હત્યારાઓ સ્થળ પરથી મોટરસાઇકલ પર નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી છે : આ અંગે કડોદરા જી.આઈ.ડી.સી.ના પી.આઈ. બી.ડી. શાહે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હત્યા કોણે અને કયા કારણોસર થઈ છે તે હજી જાણી શકાયું નથી.
- Rajkot Crime News : રાજકોટમાં ગાંધીનગરની SMC ટીમે ફાર્મ હાઉસમાં જુગારની રેડ કરી, નાની માછલીઓને કરાઇ સસ્પેન્ડ
- Noida Crime News: એર ઈન્ડિયાના ક્રુ મેમ્બરની નોઈડામાં સરાજાહેર ગોળી મારી હત્યા કરાઈ