ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં તમામ ઝોનમાં વરસાદ પડી રહ્યો છે. 29 ઓગસ્ટે સાંજે છ કલાક સુધીમાં રાજ્યમાં આ સિઝનનો 109.42 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 238 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ વરસાદ 31.73 mm પડ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ :રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો કચ્છમાં 154.3 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 86.42 ટકા, મધ્ય ગુજરાતમાં 104.7 ટકા, સૌરાષ્ટ્રમાં 123.34 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.84 ટકા વરસાદ નોંધાયો છે. 84 તાલુકામાં 1000 mm કરતાં વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 125 તાલુકામાં 501 થી 1000 mm, 41 તાલુકામાં 251 થી 500 mm અને એક તાલુકામાં 126 mm થી 250 mm વરસાદ નોંધાયો છે.
ભાણવડ તાલુકામાં સૌથી વધુ વરસાદ : છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 295 mm, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં 275 mm, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 263 mm, કચ્છના લખપતમાં 226 mm, દ્વારકાના ખંભાળિયામાં 225 mm વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ડેમની સ્થિતિ :રાજ્યમાં ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો 206 ડેમ પૈકી 103 ડેમ છલકાઈ ગયા છે. 45 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાયા છે. 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાયા છે. 21 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયા છે અને 14 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. 125 ડેમ હાઈએલર્ટ પર વહી રહ્યા છે. સરદાર સરોવર ડેમ 85.69 ટકા ભરાઈ ગયો છે. તેમાં ઇન્ફલો 2,49,989.57 છે. જ્યારે 1,92,465 આઉટફ્લો છે.
13,185 લોકોનું સ્થળાંતર : રાજ્યમાં ભારે વરસાદને કારણે 28 ઓગસ્ટ સુધી કુલ 1785 વ્યક્તિઓની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે. કુલ 13,185 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારોએ તા. 29 ઓગસ્ટથી તા. 2 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
- જામનગરમાં અતિવૃષ્ટિથી થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા મુખ્યમંત્રીનો આદેશ
- પૂર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 1785 નાગરિકોનું રેસ્ક્યુ, 13,183 નાગરિકોનું સ્થળાંતર