જુનાગઢ : આજે ધોરણ 10 નું પરિણામ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓનો દેખાવ ખૂબ સારું રહ્યો છે. જેનું ઉદાહરણ જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી હાર્વી રાઠોડે પૂરું પાડ્યું છે.
દરજીકામ કરતાં પિતાની પુત્રીએ ધોરણ 10માં કર્યો ઉજ્જવળ દેખાવ. જૂનાગઢની હાર્વી રાઠોડે મેળવ્યો ઉચ્ચ ક્રમાંક - GSEB SSC Result - GSEB SSC RESULT
આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢમાં દરજી કામ કરતા પિતાની પુત્રી હાર્વી રાઠોડે ઉજ્જવળ દેખાવ કરીને સમગ્ર જૂનાગઢ શહેરનુ નામ રોશન કર્યું છે. અભ્યાસ દરમિયાન હાર્વી રાઠોડને સંસ્કૃત વિષય ખૂબ જ મુશ્કેલ લાગતો હતો તેમાં આજે જાહેર થયેલા પરિણામમાં 100 માંથી 100 માર્ક્સ મળતા હાર્વી ઝૂમી ઉઠી હતી.
Published : May 11, 2024, 3:54 PM IST
સંસ્કૃત વિષયમાં 100માંથી 100 :જુનાગઢમાં દરજી કામ કરતા કિશોરભાઈ રાઠોડની પુત્રી હાર્વીએ અભ્યાસ દરમિયાન ખૂબ જ અઘરા લાગતા સંસ્કૃત વિષયમાં 100માંથી 100 અને ગણિતમાં 99 માર્કસ મેળવીને જુનાગઢ શહેરનું નામ રોશન કર્યું છે. હાર્વીએ અભ્યાસ કરવાની સાથે માતાને ઘરકામમાં અને પિતાને દરજીકામમાં મદદ કરતા કરતા દિવસ દરમિયાન ત્રણ કલાક જેટલું શિક્ષણ કાર્ય કરતી હતી જેમાં તેને આજે સફળતા મળી છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન :પરિણામ બાદ જૂનાગઢની સરસ્વતી વિદ્યાલયના સંચાલક પ્રદીપ ખીમાણીએ જણાવ્યું હતું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે ધોરણ 11માં અભ્યાસ માટે પ્રવેશ મેળવતી તમામ દીકરીઓને શૈક્ષણિક ફીમાં 8000 ની માફી આપવાની સાથે 90 ટકા કરતાં વધારે માર્કસ મેળવેલી પ્રત્યેક વિદ્યાર્થીનીને ધોરણ 11માં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવશે. તેવી જ રીતે 87 થી 90 ટકા સુધીના ગુણ પ્રાપ્ત કરનાર પ્રત્યેક વિદ્યાર્થીનીને ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરાઈ છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે 85 ટકાથી લઈને 87 ટકા સુધી માર્કસ મેળવનાર પ્રત્યેક વિદ્યાર્થીનીને ધોરણ 11માં પ્રવેશ મેળવતી વખતે 25 ટકા ફીની રાહત આપવાની જાહેરાત પણ આજે કરી છે. પરિણામોમાં વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ છે તેને ધ્યાને રાખીને પણ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે શાળાએ વિદ્યાર્થીનેઓના પ્રવેશમાં ફીની રાહત પણ આજે પરિણામ જાહેર થવાની સાથે જ કરી છે.