જૂનાગઢ: અગિયારસથી પૂનમ સુધી ભવનાથમાં લીલી પરિક્રમાના મેળાનું આયોજન થતું હોય છે. જેમાં લાખોની સંખ્યામાં પરિક્રમાથીઓની હાજરીથી ગિરનાર ક્ષેત્ર ધમધમતું હોય છે. પરિક્રમા દરમિયાન નાના વેપારીઓ અહીં વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરીને પણ વર્ષ ભરની કમાણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં થયેલા નોંધપાત્ર ઘટાડોને કારણે નાના વેપારીઓના ધંધામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે.
પરિક્રમાનો મેળો પૂર્ણતા તરફ નાના વેપારીઓમાં ચિંતા:ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે ત્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ મેળા દરમિયાન આવતા હોય છે. જેની પાછળ અંદાજિત 2000 કરતાં વધારે નાના વેપારીઓ પરિક્રમા દરમિયાન વર્ષભરની કમાણી અને ઘર વપરાશનો ખર્ચો રમકડા, કપડા અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરીને કરતા હોય છે. પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં થયેલા નોંધપાત્ર ઘટાડોને કારણે નાના ધંધાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળે છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે માત્ર 30 ટકા વેપાર પરિક્રમાના મેળામાં ચાલ્યા છે. જેને લઈને નાના વેપારીઓનો માલ પડતર પડેલો પણ જોવા મળે છે.
ગીરનાર લીલી પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઘટાડો, (Etv Bharat Gujarat) ચોમાસું અને ખેતીની સીઝન પડતરનું મુખ્ય કારણ:ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી અને પરિક્રમાના મેળા દરમિયાન સ્થાનિક અને લોકલ તેમજ ગામડાના લોકો ખૂબ બહોળા પ્રમાણમાં આવતા હોય છે. આ તમામ લોકો ગામડામાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે. આ વર્ષે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યો હોવાને કારણે ચોમાસું પાકો હજી ખેતરમાં પડેલા જોવા મળે છે. જેને કારણે ખેડૂતોની સાથે ખેતીના વ્યવસાય પર નિર્ભર અને તેની સાથે જોડાયેલા મજૂરો પણ ખેતી કામમાં ખૂબ વ્યસ્ત જોવા મળ્યા હતા. આ કારણે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
નાના ધંધાર્થીઓમાં ચિંતાનો માહોલ (Etv Bharat Gujarat) પાંચ લાખ કરતાં વધુની સંખ્યામાં આવેલા પરિક્રમાથીઓ આ વર્ષે મેળાની સામાન્ય ખરીદીથી દૂર રહ્યા છે. તેથી વેપારીઓની ચીજ વસ્તુઓનું વેચાણ થયું નથી. શિવરાત્રી અને લીલી પરિક્રમાના મેળામાં મુખ્યત્વે ખરીદદાર વર્ગ તરીકે ગામડાના લોકો મુખ્ય હોય છે. જેના થકી ભવનાથના મેળામાં સ્થાનિક નાના વેપારીઓના ધંધા રોજગાર ચાલતા હોય છે ત્યારે આવા ખરીદદાર વર્ગની જ મેળામાં ગેરહાજરી હોવાને કારણે આ વર્ષે વેપારીઓને વેપાર ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો:
- ગિરનાર લીલી પરિક્રમાનો આદિ અનાદિકાળનો ઇતિહાસ, સૌ પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી આ પરિક્રમા