ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકી, એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત, એક સાથે અંતિમયાત્રા - Rajkot Accident - RAJKOT ACCIDENT

પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે નંબર 27 પર ધોરાજી નજીક ભાદર 2 ડેમના પુલ પરથી પસાર થતી કારને ગંભીર અકસ્માત નડ્યો છે. આ બનાવમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ત્યારે એક સાથે પરિવારના ત્રણ લોકોની અંતિમયાત્રા નિકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યુ હતું.

ધોરાજી નજીક અકસ્માતમાં ચાર મોત
ધોરાજી નજીક અકસ્માતમાં ચાર મોત

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 5:20 PM IST

Updated : Apr 10, 2024, 10:45 PM IST

ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકી, એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત

રાજકોટ :પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે નંબર 27 પર ધોરાજી નજીક ભાદર 2 ડેમના નદીના પુલ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી કારનું ટાયર ફાટતા બેકાબુ કાર પુલની દિવાલ તોડી નદીમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા છે. અકસ્માતમાં એક પરિવારના ત્રણ વ્યક્તિઓ દિનેશભાઈ ઠુંમ્મર તથા તેમના પત્ની લીલાવંતી બેન ઠુંમ્મર તથા તેની દિકરી હાર્દિકા બેન ઠુંમ્મરની એક સાથે અંતિમ યાત્રા રાતે નિકળી, પરિવારને સાંત્વાના આપવા માટે પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તથા ભાજપ આગેવાનો પહોંચ્યા હતા. એક સાથે ત્રણ વ્યકિતઓની અંતિમ યાત્રામા હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા અને રસ્તામાં લોકોએ ફુલો વડે શ્રધ્ધાંજલિ આપી હતી. ઠુંમર પરિવાર ઉપર પડેલા આ દુ:ખના પહાડને લઈને સમગ્ર ધોરાજી પંથકમાં શોક પ્રસરી ગયો છે.

કારનું ટાયર ફાટ્યું અને સર્જાયો ગમખ્વાર અકસ્માત

કારનું ટાયર ફાટ્યું અને : આ અંગે મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર એક જ પરિવારના સભ્યો જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી તેઓ ધોરાજી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન ધોરાજી નજીક ભાદર 2 નદી પરથી પસાર રહ્યા હતા, ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

પુલ પરથી નદીમાં ખાબકી કાર : કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર ભાદર નદીના પુલની દીવાલ તોડીને નદીમાં ખાબકી હતી. આ કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. કાર નદીમાં પડતા પતિ-પત્ની અને તેમની યુવાન પુત્રી તેમજ મહિલાની બહેનનું ડૂબી જવાથી કરુણ મોત થયું હોવાની વિગતો સામે આવી છે.

એક જ પરિવારમાં ચાર મોત : ધોરાજી પાસે સર્જાયેલ આ અકસ્માતમાં ધોરાજીના 55 વર્ષીય દિનેશ ઠુમ્મર, તેમના પત્ની 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, તેમની પુત્રી 22 વર્ષીય હાર્દિકા ઠુમ્મર તેમજ મહિલાના બહેન 55 વર્ષીય સંગીતાબેન કોયાણીનું મોત થયું છે. માતા-પિતા સહિત યુવાન દિકરીએ જીવ ગુમાવ્યો છે. સાથે જ પરિવારની જ એક મહિલાનું મોત થયા પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે.

રાહત કામગીરી :આ અકસ્માતની ઘટના અંગેની જાણ થતા સ્થાનિક રાહત બચાવ ટીમ તેમજ એમ્બ્યુલન્સ અને હાઇવે પેટ્રોલિંગ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બચાવ ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને તમામ મૃતદેહને ભારે જહેમત બાદ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

કારને ક્રેનથી બહાર કાઢી :આ ઘટના બાદ હોસ્પિટલ અને ઘટનાસ્થળ પર લોકોના અને વાહનોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાઈવે ટીમ દ્વારા પાણીમાં ગરકાવ થયેલ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતની જાણ થતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ સાથે જ ધોરાજીના માજી ધારાસભ્ય તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયા પણ અકસ્માતની જાણ થતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

  1. રાજકોટના આજીડેમમાં ગણેશ વિસર્જન સમયે કરૂણ દુર્ઘટના, પાણીમાં ડૂબવાથી મામા-ભાણેજનું મોત
  2. ગોંડલ ઉમવાડા રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાતાં પોલીસકર્મીનું મોત, સાત વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી
Last Updated : Apr 10, 2024, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details