ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો ! સુરતમાં હવે નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું, બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા આરોપીને દબોચ્યો - FAKE JAN SUVIDHA CENTER - FAKE JAN SUVIDHA CENTER

નકલી અધિકારીઓ અને કંપનીઓના બનાવ વચ્ચે હાલમાં જ સુરત શહેરમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં જન સુવિધા કેન્દ્રના નામે ચાલતા એકમમાં આરોપી વિવિધ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી તમામ સામગ્રી જપ્ત કરી છે.

સુરતમાં હવે નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું
સુરતમાં હવે નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 12:09 PM IST

Updated : Mar 22, 2024, 5:05 PM IST

સુરતમાં નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવતા આરોપીને દબોચ્યો

સુરત :નકલી અધિકારીઓ અને કચેરીઓની બૂમાબૂમ વચ્ચે હવે સુરત શહેરમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. કાપોદ્રા વિસ્તારમાં સ્થિત જન સુવિધા કેન્દ્ર પર નાયબ મામલતદાર અને પોલીસની સંયુક્ત રેડમાં સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં ઉપયોગ થતી સામગ્રી જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી તે નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો.

બોગસ ડોક્યુમેન્ટ બનાવતી હાટડી :સુરત શહેરમાં અનેક લેભાગુ તત્વોએ આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, મેરેજ સર્ટી, લાયસન્સ, આયુષ્યમાન કાર્ડ અને આવકનો દાખલો સહિત બિન અનામતના દાખલા, વિધવા સહાય યોજના સહિતની સરકારી યોજના માટે પણ જરૂરી પુરાવા તૈયાર કરવા માટે હાટડીઓ ખોલતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે.

નકલી જન સુવિધા કેન્દ્ર :સુરત પ્રાંત અધિકારી વિક્રમસિંહ ભંડારીને મળેલી બાતમીના આધારે પુણા મામલતદાર રોશની પટેલે કાપોદ્રા વિસ્તારના કિરણ ચોકમાં સ્થિત ભગવતી કૃપા સોસાયટીમાં આવેલ જલારામ કોમ્પલેક્ષની દુકાન નંબર 1માં ચાલતી ભગવતી કન્સલટન્સીમાં દરોડા પાડ્યા હતા. આ એકમ જન સુવિધા કેન્દ્રના નામે કાર્યરત હતું.

એક શખ્સની ધરપકડ :સુરત શહેરના કાપોદ્રામાં જન સુવિધા કેન્દ્રના નામે આરોપી નિકુંજ દુધાત ઓફિસ ચલાવતો હતો. અહીં નાયબ મામલતદાર અને પોલીસે સંયુક્ત રેડ કરી હતી. આ કેન્દ્રમાં પુણા મામલતદારે તપાસ કરતા કમ્પ્યુટરમાંથી લાઈટ બીલ, આધાર કાર્ડ સહિતની અલગ-અલગ 27 જેટલા સરકારી પુરાવાઓનો મોટો સંગ્રહ મળી આવ્યો હતો. બોગસ જન સુવિધા કેન્દ્રમાં લોકોની જરૂરિયાત આધીન બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ કાર્યવાહી :કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. આસૂરાએ જણાવ્યું હતું કે, દુકાનમાં 29 વર્ષીય નિકુંજ બાવચંદ દુધાત ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરી લઈ ડુપ્લિકેટ આધાર કાર્ડ સહિતના બોગસ દાખલા કાઢી આપતો હતો. અધિકારીઓની બોગસ સહી પણ જણાઈ આવતા કાપોદ્રા પોલીસે નિકુજ વિરુદ્ધ IPC કલમ 465, 466 અને 468 તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(C) અને (d) હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.

  1. પનીર બાદ સુરત શહેરમાં ભેળસેળયુક્ત ઘીનો ગોરખધંધો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ - Adulterated Ghee Racket
  2. Bogus Paneer: સુરત આરોગ્ય વિભાગે શંકાસ્પદ અખાદ્ય પનીરનો 230 કિલો જથ્થો ઝડપ્યો
Last Updated : Mar 22, 2024, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details